રીપોર્ટ@મહેસાણા: BLOની ફરજ બજાવતા વધું એક શિક્ષકનું હાર્ટ એટેકથી મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં BLOની ફરજ બજાવતા એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી કરુણ નિધન થયું છે. આ દુઃખદ ઘટનાએ રાજ્યમાં શિક્ષકો પરના BLOની કામગીરીના વધતા ભારણ અને માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતક શિક્ષકનું નામ દિનેશ રાવળ હતું, જેઓ સતલાસણાના સુદાસણ ગામની કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે પણ ફરજ બજાવતા હતા.
દિનેશ રાવળ પોતાના ઘરે બેસીને ચૂંટણી સંબંધિત SIRની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે જ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ તેમનું નિધન થતા સુદાસણ ગામ અને સમગ્ર શિક્ષક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી BLOની કામગીરી કરતા શિક્ષકોના મોત અને આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શિક્ષક સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે શૈક્ષણિક કાર્યની સાથે અન્ય બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ વધતા શિક્ષકો તીવ્ર માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યા છે.

