રીપોર્ટ@નડીયાદ: સૌથી મોટા રમત સંકુલમાં ભ્રષ્ટાચારની બૂમ, હાજરી અને ભોજન ખર્ચમાં તપાસ જરૂરી?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નડીયાદ ખાતે આવેલ રમતગમતના સૌથા મોટા સંકુલમાં છેલ્લા કેટલાક વર્ષોથી થતાં વહીવટ સામે ચોંકાવનારી બૂમરાણ મચી છે. ઘણા સમયથી અગાઉ કામ કરી ચૂકેલા, જૂના રમતવીરો અને પરોક્ષ રીતે સંકળાયેલા સહિતનાઓ સવાલો અને ગંભીર આક્ષેપોનો મારો કરી રહ્યા છે. આ સાથે કોચ જે રીતે કામ કરી રહ્યા તે અંગે પણ આવક સામે સંપત્તિની ચર્ચાઓ કંઈ ઓછી નથી. સરકારના અથાગ પ્રયત્નો અને અઢળક ગ્રાન્ટ સામે શું ખોટી વિગતો બતાવી અપ્રમાણસર આવક રળી રહ્યા છે અથવા કોન્ટ્રાક્ટ કામમાં કટકી ગોઠવી ભોજનની ગુણવત્તાનો છેદ ઉડાવી દીધો ? આ તમામ સવાલોની આજે પડતાલનો આ સ્પેશિયલ રીપોર્ટ સચિવ અશ્વિનીજીને સમર્પિત.
ખેડા જિલ્લાના વડા મથકે ગુજરાત સરકારનું મહાકાય અને અત્યાધુનિક સુવિધાઓ સાથેનું રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવેલું છે. અહિં અનેક રમતવીરો માટે ભોજનથી માંડી સ્પોર્ટ્સની તૈયારી કરવાની વ્યવસ્થાઓ માટે સરકાર ખૂબ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપી રહી છે. રમતવીરો અને રમતગમત સંકુલ માટે કોઈ કચાશ ના રહે તે માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ અને ભોજન માટે મળતી ગ્રાન્ટ સામે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દેખરેખ રાખે છે. હવે અહીં છેલ્લા કેટલાક સમયથી ચાલતાં વહીવટમાં ભ્રષ્ટાચારની બદબૂ આવતી હોવાની બૂમરાણ મચી છે. ભૂતકાળના કર્મચારીઓ અને પરોક્ષ રીતે સંકળાયેલા લોકો જણાવે છે કે, આઉટસોર્સિંગના કર્મચારીઓમાં ગંભીર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે ભોજન ખર્ચમાં કોન્ટ્રાક્ટ બાબતે મહિને/વર્ષે/બીલ મુજબ ચોક્કસ રકમનો ભોગ ધરાવવાની ગોઠવણ રચેલી છે. નીચેના ફકરામાં વાંચો મહા ઘટસ્ફોટ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જો અહીં તાત્કાલિક અસરથી છેલ્લા 4 વર્ષના આઉટસોર્સિંગ કર્મચારીઓની હાજરી, ખર્ચ અને સામે કાગળ ઉપર બતાવેલા તમામ કર્મચારીઓની તપાસ કરે તો અનેક લોકોની બોગસ હાજરી પૂરાઈ હોવાનો ખુલાસો થઈ શકે છે. આ સાથે જો ભૂતકાળના તમામ ઠેકેદારો પાસેથી નિર્ભય રીતે સરકારના હિતમાં વિગતો મેળવવામાં આવે તો બેઠી આવકની મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થાય તેમ છે. આટલુ જ નહિ, બંને બાબતોમાં વર્ષોથી ભ્રષ્ટાચાર કરી/કરાવી વહીવટીકર્તાએ કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરી હોવાનું ભૂતકાળના કર્મચારીએ જણાવતાં ખળભળાટ મચી ગયો છે. પેટ્રોલપંપ, જમીનો, મકાનો, વાહનો અને વૈભવી જાહોજલાલી હોવાની વાત કરતાં પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આથી આગામી સોમવારે સમગ્ર બૂમરાણનું ઓપરેશન કરતો મહા રીપોર્ટ જાણી સરકારશ્રીના હિતમાં મોટો પ્રયત્ન કરીશું.