રિપોર્ટ@નડીયાદ: જિલ્લા કોચને સતત 7 વર્ષથી એક જ જગ્યાએ સત્તા, કોના આશીર્વાદથી બદલી ઉપર બ્રેક?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાજ્યમાં રમતગમત વિભાગને એક તરફ વધુને વધુ રમતવીરો તૈયાર કરવાની જવાબદારી છે તો બીજી તરફ પારદર્શક વહીવટ જાળવી રાખવાનો પડકાર છે. અનેક જિલ્લાઓમાં અધિકારીઓ બદલીપાત્ર થવાની સ્થિતિએ પહોંચી ગયા છે પરંતુ કોઈ ગ્રહણ લાગ્યું હોઈ શકે. હવે આ બદલીપાત્ર અનેક કેસ પૈકી નડીયાદ જિલ્લા કોચનો પણ સમાવેશ છે ત્યારે કેટલાક સવાલો ઉભા થયા છે. ખેડા(નડીયાદ)ના અતિ ભવ્ય અને સરકારની સૌથી વધુ ગ્રાન્ટ અહીંના રમતવીરો માટે આવે છે ત્યારે જિલ્લા કોચને સતત 7 વર્ષથી ફરજ છે. મનસુખભાઇ નામે જિલ્લા કોચની નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં અવિરત ફરજ વચ્ચે બદલીનો હુકમ આવતો નથી. નિયમો છતાં કેમ અને કોના આશીર્વાદથી ખેડા જિલ્લા કોચની બદલી નહિ તેના સવાલો અને શક્યતાઓ સમજીએ.
ખેડા (નડીયાદ) જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાર/આઉટસોર્સિંગ સેવાઓની પારદર્શકતા ઉપર સવાલો ઘણાં સમયથી છે. ત્યારે શંકાસ્પદ/કથિત ખોટી હાજરી પુરી/પુરાવી ગેરકાયદેસર રીતે નાણાંકીય ગેરરીતિના સવાલો વચ્ચે હમણાં એક ટીમ તપાસ કરી આવી હતી. હવે આ તપાસમાં કેટલી પારદર્શકતા અથવા તપાસવાળા શોધી શક્યા કે નહિ તે આવનારો સમય કહે પરંતુ અહીંના જિલ્લા કોચ બાબતે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લા કોચ મનસુખભાઇ સરેરાશ 7 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા ત્યારે સૌ કોઈને સવાલ થાય છે કે બદલી કેમ નહિ? રમતગમત વિભાગના નિયમોનુસાર 3થી5 વર્ષ પછી બદલી થઇ જાય પરંતુ એવા કયા કારણોસર મનસુખભાઇને ખેડા ખાતે યથાવત રાખવામાં આવી રહ્યા તેવો સવાલ ઉભો થયો છે. એવું નથી કે, બદલીપાત્ર ખેડા કોચ છે પરંતુ વિભાગ અને ઓથોરિટી હેઠળના અનેક કર્મચારી/અધિકારી બદલીપાત્ર સ્થિતિએ છે તેમ જિલ્લા કોચ મનસુખભાઇએ જણાવ્યું હતુ. વાંચો નીચેના ફકરામાં ખુલાસો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડા(નડીયાદ) જિલ્લા રમતગમત સંકુલ ગુજરાતનું ભવ્ય અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે ત્યારે ગ્રાન્ટની સરવાણી પણ ખૂબ વહે છે. ભલે કહેનારા એમ કહે કે, બધો વહીવટ વિભાગ અથવા ઓથોરિટી નક્કી કરે છે પરંતુ અહીં જિલ્લા કોચને દંડો પછાડીને કામ કરાવવાની સત્તા હોવાથી "વહીવટ" જેટલો પાવર મળી રહે છે. આથી કથિત ખોટી હાજરીઓ, ભોજન ખર્ચમાં ઠેકેદાર સાથે સંપર્કો, અન્ય ગ્રાન્ટમાં પણ જિલ્લા કોચને મળેલી સત્તાઓ જોતાં કરોડોના કામોમાં વોચ રાખવાની સત્તા ઘણું કરાવી શકે છે. આથી બદલી શું કોઈના આશીર્વાદથી નથી થતી ? એકબીજાના સંબંધો કે જેમાં કોઈ આશય હોઈ શકે તેનાથી બદલી નથી થતી? અન્ય અધિકારીઓની નથી થઈ એવા કારણો બતાવીને નથી થતી? બધાની સામટી કરવાના વાયદાથી નથી થતી ? વિભાગ અથવા ઓથોરિટીમાં મજબૂત સંબંધો? આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.