રિપોર્ટ@નર્મદા: આદિવાસીઓની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, AAPના નેતાએ નોંધાવ્યો વિરોધ

 
વિરોધ

કાર્યવાહી નહી થાય તો જનઆંદોલન કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા જિલ્લાનું રાજકારણ વધુ એક વખત ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આદિવાસીઓની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે તેઓ પોતાના સમર્થકો સાથે આવેદન આપવા જઈ રહ્યાં હતા. જ્યાં પોલીસે અટકાવતા તેઓ રસ્તા પર બેસી ગયા હતા. આ અંગે ચૈતર વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઈશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતી-વળગતી એજન્સીઓને ફાળવી દે છે.

નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને બારોબાર વહીવટ કરી નાંખે છે. નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ સાથે કાર્યવાહી નહી થાય તો જનઆંદોલન કરવામાં આવશે.આ મામલે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે રાજપીપળા  આવેદન આપવા આવ્યા હતા. મોવી ચોકડી ખાતે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આખરે નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને માત્ર 5 ગાડી સાથે જ જવાનું જણાવ્યું હતુ. જો કે ચૈતર વસાવાએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કરીને રસ્તા પર બેસી ગયા હતા અને પોલીસના ઉપરી અધિકારી સાથે વાત કરવા જણાવ્યું હતું.