રિપોર્ટ@નર્મદા: ભાજપના મહિલા ધારાસભ્યનું વોકઆઉટ, કહ્યું 'અહીં અપમાન કરવા બોલાવો છો'

 
ધારાસભ્ય
કહ્યું 'બે વર્ષથી પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો દાવો કરીને નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ કાર્યક્રમ અધવચ્ચે છોડીને નીકળી ગયા હતા. પ્રોટોકોલ ન જળવાતા નારાજ થયેલા ધારાસભ્ય ગાંધી ચોક વડીયા ખાતે ધરણા પર બેસી ગયા છે અને સંગઠન સહિત ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. જો કે, આ સરકારી કે પક્ષના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં ડો. દર્શનાબહેન દેશમુખના પ્રોટોકોલ જાળવવામાં આવ્યો ન હતો અને તેમનું યોગ્ય સ્વાગત પણ કરવામાં ન આવતા વિવાદ સર્જાયો હતો.

કાર્યક્રમમાંથી બહાર નીકળીને સીધા ધરણા પર બેસી ગયેલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે, જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીના કારણે જ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.'

અપમાન થયું હોવાનો દાવો કરીને કાર્યક્રમમાંથી 'વોકઆઉટ' કરનાર નાંદોદના ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખના સમર્થનમાં હવે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ સમર્થનમાં આવ્યા છે. અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી દીધી છે.