રીપોર્ટ@નર્મદા: ભાજપનો આંતરિક વિવાદ અંતે શાંત થયો, સાંસદ મનસુખ વસાવાએ શુ કહ્યું? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો આંતરિક વિવાદ અને જૂથવાદ શાંત પડ્યો હોવાનું સામે આવ્યું છે. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના કથિત અપમાનના મુદ્દે શરૂ થયેલો વિવાદ પક્ષના ઉચ્ચ નેતૃત્વ સુધી પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પ્રદેશ મોવડીમંડળે દરમિયાનગીરી કરીને સંબંધિત તમામ આગેવાનોને ગાંધીનગર ખાતે બેઠક માટે બોલાવ્યા હતા.
રાજપીપળા ખાતે વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘટનાના વિરોધમાં ધારાસભ્યએ ધરણાં પણ કર્યા હતા. ત્યારબાદ તેમના સમર્થકો અને સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિવાદ સતત ઉગ્ર બનતા પક્ષની અંદર અસંતોષનું વાતાવરણ સર્જાયું હતું.વિવાદ વધતા પ્રદેશ કાર્યાલયે નર્મદા જિલ્લાના અગ્રણીઓને ગાંધીનગર બોલાવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તમામ મુદ્દાઓ અને પ્રશ્નો પ્રદેશ નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે રજૂ કરવામાં આવ્યા છે. ભાજપ એક પરિવારની જેમ કાર્ય કરતી પાર્ટી છે અને પરિવારમાં નાના-મોટા મતભેદો થતા રહેતા હોય છે. પરંતુ પક્ષના વડીલો યોગ્ય માર્ગદર્શન આપીને તેનો ઉકેલ લાવતા હોય છે. તેમણે જણાવ્યું કે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હવે તમામ આગેવાનો અને કાર્યકરો સાથે મળીને પક્ષને મજબૂત બનાવવાના પ્રયાસો કરશે.
બેઠક દરમિયાન કાર્યકરોને સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ ખોટી અથવા ભ્રામક પોસ્ટ ન મૂકવા સૂચના આપવામાં આવી હતી. પક્ષના હિતમાં માત્ર સકારાત્મક અને રચનાત્મક સંદેશાઓ જ પ્રસારિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રદેશ નેતૃત્વની સફળ મધ્યસ્થી બાદ જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ, ધારાસભ્યના રાજીનામાની ચીમકી તેમજ અન્ય વિરોધ કાર્યક્રમો હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે.

