રિપોર્ટ@નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, જાણો સમગ્ર મામલો

 
રાજકારણ

પોલીસ દારૂ-જુગારના હપ્તા લેતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કમલમના આદેશ મુજબ કર્મચારીઓ કામ કરે છે. અધિકારીઓ લોકો માટે કામ કરે નહીં કે ભાજપ માટે. ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નર્મદા કલેક્ટર ઓફિસનો ઘેરાવો કર્યો હતો.

ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં અધિકારીઓનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમને કલેક્ટર કચેરીમાં જતા પોલીસે રોકતા ઘર્ષણ થયું હતું. તેઓએ કહ્યું કે, તમે તમારૂ કામ કરો અને અમને અમારૂં કામ કરવા દો. આ સાથે જ ચૈતર વસાવાએ પોલીસ દારૂ-જુગારના હપ્તા લેતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.કલેક્ટરને મળવા જતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ થયું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું કે, "અમે ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર કરી નથી. તમે આટલા બધા બુટલેગરોને દારૂની પરમીશન આપી છે તો તેમને કેમ અટકાવતા નથી." તેઓએ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, "આ બધુ બંધ કરી દેજો, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ. કોણ કોણ હપ્તા લે છે તે બધી યાદી છે અમારી પાસે. ગરીબો-મજૂરો પાસેથી દંડ ઉઘરાવો છો તો ખાડા પડ્યા છે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કેમ ફરિયાદ નોંધતા નથી?" તેઓએ વધુમાં કહ્યું કે, કલેક્ટરને મળ્યા વગર અમે અહીંથી જવાના નથી.