રીપોર્ટ@નર્મદા: સાંસદ મનસુખ વસવાએ ફરી પક્ષની પોલ ખોલી, 'ભાજપના નેતાઓ તલાટીને હપ્તા આપે છે'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષના નેતાઓ અને વહીવટી તંત્ર સામે મોરચો ખોલ્યો છે. રાજપીપળા ખાતે યોજાયેલા સંગઠન કાર્યક્રમ દરમિયાન વસાવાએ જાહેર મંચ પરથી જ એવો આક્ષેપ કર્યો કે, 'દેડિયાપાડા વિધાનસભા બેઠક પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જીતાડવામાં ભાજપના જ સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારોનો હાથ હતો. આપના ઉમેદવાર જ્યારે અંબાજી રથયાત્રા લઈને નીકળ્યા ત્યારે ભાજપના જ હોદ્દેદારોએ જ સન્માન કરવા પહોંચી ગયા હતા.'
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં કહ્યું કે, 'ભાજપમાં રહીને વિરોધ પક્ષોને મદદ કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે, જો કોઈને ખોટું લાગતું હોય તો તે પક્ષ છોડી શકે છે. પક્ષમાં રહીને આપવાળા સાથે દોસ્તી રાખશો તો પણ ભવિષ્યમાં ક્યારેય સફળ થવાશે નહીં.' તેમણે પક્ષની આંતરિક શિસ્તની સાથે વહીવટી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી નાખી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, 'સત્તા પર બેઠેલાં ભાજપના કેટલાક આગેવાનો તલાટીઓને હપ્તા આપે છે. આ હપ્તાખોરી અને કમિશનને કારણે જ ગ્રામ્ય વિસ્તારો અને નગરપાલિકામાં ગુણવત્તા વિનાના વિકાસના કામો થઈ રહ્યાં છે. નબળા અને લોલંલોલ કામોને કારણે જ વિપક્ષોને સરકાર સામે અવાજ ઉઠાવવાની અને રાજકીય મુદ્દો બનાવવાની સીધી તક મળી જાય છે.' તેમણે કહ્યું હતું કે, 'સરકારી કામ ભલે ભાજપના કાર્યકરો રાખે, પરંતુ કામની ક્વોલિટી જાળવવી અનિવાર્ય છે.

