રીપોર્ટ@નર્મદા: સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, રૂ.16 કરોડના ખર્ચે એકતા ક્રૂઝ તૈયાર

 
નર્મદા
600 મુસાફરોને સમાવવાની ક્ષમતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિસરમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. એકતાનગરની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને રિવર ટુરિઝમનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચાણવાળા વિસ્તારમાં નર્મદા નદી પર 16 કરોડ રૂપિયાના ખર્ચે નવી અને સુવિધાસભર ‘એકતા ક્રૂઝ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ ક્રૂઝ આધુનિક સુરક્ષા સિસ્ટમ, સંગીત સાધનો, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ ઓન-બોર્ડ કેટરિંગ અને ડાઇનિંગ સુવિધાથી સજ્જ છે. આ વિશાળ ક્રૂઝ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજવણીઓ, સમારોહ તથા મનોરંજક પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી શકાશે.નવી એકતા ક્રૂઝના લોકાર્પણથી થનારા લાભો

એકતાનગર ખાતે નર્મદા નદી પર રિવર ટુરિઝમ તેમજ મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. નદી આધારિત આવા અનોખા પ્રવાસન આકર્ષણ થકી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓના એકંદર અનુભવમાં વધારો થશે. સુવ્યવસ્થિત પ્રવાસન પ્રવૃત્તિઓ માટે નર્મદા રિવરફ્રન્ટનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. વિવિધ કાર્યક્રમોના આયોજન અને બોટમાં કેટરિંગ સુવિધા દ્વારા આવકની તકોનું સર્જન થશે. પ્રવાસન સુવિધાઓમાં વૈવિધ્ય આવશે અને પ્રવાસીઓ એકતાનગર ખાતે વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થશે. અગ્રણી પ્રવાસન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે એકતાનગરની ઓળખ વધુ મજબૂત બનશે.