રીપોર્ટ@નર્મદા: રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી ફગાવી

 
ચૈતર વસાવા
ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેડિયાપાડા લાફાકાંડ કેસમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે. ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે.

સોમવારે  ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે. ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું. જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં" તેમણે ઉમેર્યું હતું કે, "અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે." પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.

ખાનગી કારમાં આવેલી પોલીસે ગોપાલ ઈટાલિયાએ કોર્ટમાં જતા રોક્યા. જેતી તેમણે અને કાર્યકરોએ પોલીસને સવાલ કર્યો કે, 'ઓપન કોર્ટમાં જતા રોકો છો, આ કેવી લોકશાહી?" તેમણે   પોલીસને તાકીદ કરી હતી કે, "લોકોને કોર્ટમાં જવા દો, ભાગવાનું નથી, ખોટે ખોટી ફોન પર વાતો ન કરો. કોર્ટમાં જવા કોને પૂછવું પડે, એવો કયો કાયદો છે? હાઈકોર્ટમાં જવા માટે પણ નથી પૂછવું પડતું. આતંકવાદી હોય એમ ગેટ બંધ કરી દીધો છે."