રીપોર્ટ@નર્મદા: આજે કેવડિયામાં રાષ્ટ્રપતિના હસ્તે દિગ્ગજ કલાકારોનું થશે સન્માન, જાણો વિગતે

 
કેવડિયા

દેશભરના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ભારતીય ફિલ્મ જગતના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત દેશભરના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 72 વર્ષના લાંબા ઇતિહાસમાં આ સમારોહનું આયોજન હંમેશાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જ થતું આવ્યું છે. પરંતુ પહેલીવાર આ ઐતિહાસિક પરંપરામાં બદલાવ કરીને દિલ્હીની બહાર ગુજરાતની ધરતી પર આ ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે.

આ વર્ષના નેશનલ ફિલ્મ એવોર્ડમાં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અનેક પ્રતિભાશાળી કલાકારોને સન્માનિત કરવામા આવશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ: ભારતીય સિનેમામાં દાયકાઓના અદ્ભુત યોગદાન બદલ દિગ્ગજ અભિનેતા અનંત નાગને આ સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે.શ્રેષ્ઠ અભિનેતા: 'ચંદુ ચેમ્પિયન' ફિલ્મ માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' ફિલ્મ માટે દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મમૂટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત થશે.'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને 'શ્રીકાંત'ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવશે.ગુજરાતી સિનેમા માટે આ સમારોહ અત્યંત ખાસ છે, કારણ કે યશ સોની અને દીક્ષા જોશી અભિનિત તથા અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. મહિલાઓના શોષણ અને તેની પાછળની વ્યવસ્થાને ઉજાગર કરતી આ ફિલ્મે અગાઉ શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

વર્ષ 1954માં આ પુરસ્કારની શરૂઆત 'સ્ટેટ એવોર્ડ્સ ફોર ફિલ્મ્સ' (State Awards for Fil નામથી થઈ હતી અને પ્રથમ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અપાયો હતો. વર્ષ 1968માં તેનું નામ બદલીને 'નેશનલ ફિલ્મ એવોર્ડ્સ' રાખવામાં આવ્યું. વિજેતાઓને મેડલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. જ્યારે દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતાને સ્વર્ણ કમલ, શાલ અને 10 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે. આજના આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેઝર અને લાઈટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.