રીપોર્ટ@નર્મદા: ભયંકર ગેરરીતિની તપાસમાં રિકવરી ક્યારે, મંત્રીના લેટર બાદ કોણ લગાવી રહ્યું લાગવક

 
નર્મદા
આ સમયગાળા દરમિયાન કાળુ ધોળુંની વેપારી જોડીએ વિવિધ નેતાજીને વિનંતીઓ કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટમાંથી બંકબેડ ખરીદી મામલે ચોંકાવનારા આક્ષેપ સાથે થયેલી રજૂઆત બાદ અચાનક મામલો ઠંડો કેમ પડી ગયો તે સવાલ છે. ત્યારે સરેરાશ 90 લાખની ખરીદી પારદર્શક ના હોવા બાબતે મજબૂત આશંકા છતાં અને ઉપરથી મંત્રીએ હકીકતલક્ષી અહેવાલ માંગ્યો તેમ છતાં તપાસ કડક નથી થતી. આથી સમગ્ર વિષયે ઉંડાણપૂર્વકની વિગતો જોતાં ધ્યાને આવ્યું કે, તપાસને ઠંડી કરાવવા કાળુ ધોળુંની વેપારી જોડી જોર લગાવી રહી છે. આટલું જ નહિ અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ ખરીદી કાંડની તપાસને ફેવરમાં કરાવવા હાઈ લેવલથી ફોન કરાવવામાં આવ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.


નર્મદા જિલ્લામાં આદીજાતી વિકાસ વિભાગ હેઠળ વર્ષ 2022-23 દરમ્યાન વિવિધ શાળાઓમાં બંકબેડ ખરીદી તપાસ હેઠળ છે. સરેરાશ 90 લાખની તપાસ સચોટ, પારદર્શક, નિષ્પક્ષ અને કડક રીતે થવા દેવાથી જેને તકલીફ છે તેવા ઈસમો જોર લગાવી રહ્યા છે. નેતાજીની અવારનવાર મૂલાકાતે જતાં આ ઈસમો લાગવક કરાવવા અને કંઈ નહિ થાય તેવી શેખચિલ્લીમાં રાચી રહ્યા છે. આ બાબતે સૌથી મોટી વાત ત્યારે સામે જ્યારે તપાસ જે અધિકારી કરી રહ્યા તેમણે વગર જરૂરે અરજદારને બોલાવવા પ્રયત્ન કર્યા છે. મંત્રી દ્વારા સમગ્ર ખરીદ પ્રક્રિયાનો હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યો તો પછી પ્રથમ તબક્કે અરજદારના નિવેદનની કેમ જરૂરીયાત? અરજદાર રૂબરૂ નહિ આવે તો શું હકીકતલક્ષી અહેવાલ ના આપી શકાય ? આ સમયગાળા દરમિયાન કાળુ ધોળુંની વેપારી જોડીએ વિવિધ નેતાજીને વિનંતીઓ કરી હતી જોકે તેની તપાસ ઉપર અસર શક્ય નથી.  વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, હકીકતલક્ષી અહેવાલ અને તેના આધારે મુરલીક્રિષ્ના સાથે ગુલાટીની ટીમ તપાસમાં ઉતરી જાય તો આ 90 લાખ સાથે અનેક ખરીદ વેપારનો ભાંડો ફૂટી જાય તેમ છે. આ વાત નર્મદા પ્રાયોજના વહીવટદાર જાણતાં હોઈ તપાસને ખોટી દીશા ના મળે અને કોઈપણ ચમરબંધીની લાગવક ના આવે તે માટે પ્રયત્નશીલ હશે. આમછતાં આ વેપારી જોડી નાણાં માટે કરીને ભલે ભવિષ્યમાં કોઈ સેટિંગ્સવાળો ધંધો ના માટે તો પણ આ કૌભાંડ બહાર ના આવે તે માટે તડજોડ કરી રહ્યા છે. જોકે વેપારી જોડીના વિવિધ કાંડ જોતાં હવે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં સેટિંગ્સવાળી વહીવટી મંજૂરીઓ મળવી મુશ્કેલ બની છે. વાચક મિત્રોને પણ ખાસ આગ્રહ છે કે, કોઈપણ જિલ્લામાં સેટિંગ્સવાળી વહીવટી મંજૂરી ધ્યાને આવે તો સીધા મુખ્યમંત્રી કાર્યાલયને જણાવી શકે તો સાથે અટલ સમાચાર ડોટ કોમને પણ જણાવશે તો સરકારશ્રીના હિતમાં પ્રયત્ન કરી શકીશું.