રીપોર્ટ@દેશ: આજે વડાપ્રધાનના જન્મદિવસ પર દેશભરમાં ઉજવણીનો માહોલ, અનેક કાર્યક્રમોનું આયોજન
દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામનાઓ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખાસ દિવસને જનસેવા અને સમર્પણના પર્વ તરીકે ઉજવવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સહિત અનેક મહાનુભાવોએ વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને તેમના નેતૃત્વ અને કાર્યશૈલીને બિરદાવી છે.
ગુજરાત સરકાર અને સંગઠન દ્વારા પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યભરમાં સાંજે 7 વાગ્યે “આશીર્વાદનો દિવો” નામના મહા-અભિયાનનું આયોજન કરાયું છે, જે હેઠળ 18,500 થી પણ વધુ સ્થળો પર 88 લાખથી અધિક માટીના દીવા પ્રગટાવીને વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્વે સાંજે ૬ વાગ્યાથી તમામ સ્થળોએ ભક્તિ સંગીત, સત્સંગ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ યોજાશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાનને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “છેલ્લા ૨૫ વર્ષોમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન તમે સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સમાવેશી વિકાસને તમે એક નવી ગતિ અને દિશા આપી છે.”કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના નિષ્ઠાવાન જીવનને બિરદાવતાં કહ્યું કે, પીએમ મોદીએ રાષ્ટ્ર સેવાને જ પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય બનાવ્યું છે. તેમનું જીવન તપસ્યા, બલિદાન અને અટલ સંકલ્પ શક્તિનું જીવંત ઉદાહરણ છે, જે કરોડો દેશવાસીઓ માટે નિરંતર પ્રેરણાસ્ત્રોત બની રહેશે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે, પીએમ મોદીના સમર્થ નેતૃત્વમાં ભારત આજ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા તરફ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યું છે. ડિજિટલ કનેક્ટિવિટીથી લઈને ગરીબ કલ્યાણની યોજનાઓ સુધી સરકારે દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ પીએમ મોદીની વૈશ્વિક છબી અને દેશ પ્રત્યેના સમર્પણની સરાહના કરી હતી.
ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ખાસ “સેવા સંકલ્પ અભિયાન” યોજવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે પીએમ મોદીના જાહેર પ્રતિનિધિ (ગુજરાતના સીએમ અને બાદમાં દેશના પીએમ) તરીકેના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે ગુરુવારે સવારે વડાપ્રધાનના જન્મસ્થળ વડનગરથી લઈને તેમના લોકસભા ક્ષેત્ર વારાણસી સુધી એક ભવ્ય બાઇક રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.આ રેલી વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બંને બાજુથી એકસાથે શરૂ થઈને ૭ ઓક્ટોબરના રોજ સંપન્ન થશે. આ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી રહ્યા છે.

