રીપોર્ટ@દેશ: ભારત-અફઘાનિસ્તાન મેચ પહેલા 'વંદે માતરમ' વગાડી BCCIએ ઈતિહાસ રચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર સામાન્ય રીતે મેચ શરૂ થતાં પહેલાં બંને દેશોના રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. પરંતુ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં એક નવો ઇતિહાસ રચાયો છે. સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના તમામ 6 છંદ વગાડવામાં આવ્યા હતા. કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આ પગલાં સામે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે વાંધો ઉઠાવતાં મામલો ફરી એકવાર રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચની શરૂઆત પહેલાં સમગ્ર અરુણ જેટલી સ્ટેડિયમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે હવેથી ભારતમાં યોજાનારી દરેક ઘરેલુ સીરિઝની પ્રથમ મેચ પહેલાં સત્તાવાર રીતે 'વંદે માતરમ્' વગાડવામાં આવશે.મેદાન પર હાજર ખેલાડીઓ અને હજારો દર્શકોએ સંપૂર્ણ 6 છંદ દરમિયાન સન્માનપૂર્વક ઊભા રહીને ભાગ લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમે અભિષેક શર્માની 82 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો.
રાષ્ટ્રીય ગીતના તમામ 6 છંદ વગાડવાની આ પહેલ સામે કોંગ્રેસ પક્ષે વાંધો વ્યક્ત કર્યો છે.કોઈપણ કારણ વગર આ બધું કરવાનો શું અર્થ છે? શું આનાથી રોજગારી મળશે? શું આનાથી ભારતીય ટીમ વધુ મજબૂત બનશે? અથવા શું આ આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવામાં મદદ કરશે, જેમાં આપણે ઘણા પાછળ છીએ? આપણી નિકાસ ઘટી રહી છે અને દેશ પર દેવું વધી રહ્યું છે. જેન ઝીની સમસ્યાઓનું શું? ગંભીર સમસ્યાઓ મોં વકાસીને ઊભી છે. શું આનાથી તેનું સમાધાન થશે? તેઓ માત્ર એક નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

