રીપોર્ટ@દેશ: CJPના વિરોધ વચ્ચે ચૂંટણી પંચની મોટી જાહેરાત, ફોર્મ-7ની અરજી માટે નવી મર્યાદા

 
રાજકારણ
વાંધો ઉઠાવનાર વ્યક્તિને નોટિસ આપી સુનાવણી કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં મતદાર યાદી સંબંધિત વિવાદો વચ્ચે ભારતીય ચૂંટણી પંચએ ફોર્મ-7 અંગે મહત્વપૂર્ણ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના આહ્વાન વચ્ચે આ નિર્ણય સામે આવ્યો છે. નવા નિયમો અનુસાર, હવે મતદાર યાદીમાંથી કોઈનું નામ દૂર કરવા માટે કરવામાં આવતી અરજીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન મુજબ, મતદાર યાદી અંગે દાવા અને વાંધા રજૂ કરવાની નિર્ધારિત અવધિ દરમિયાન એક વ્યક્તિ વધુમાં વધુ 10 ફોર્મ-7 અરજીઓ કરી શકશે. જ્યારે મતદાર યાદી સતત અપડેટ કરવાની પ્રક્રિયા દરમિયાન દર મહિને મહત્તમ પાંચ અરજી કરવાની છૂટ મળશે. આ નિયમ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની અરજીઓ માટે લાગુ પડશે.

નવા નિયમોમાં મતદારનું નામ દૂર કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા પર ભાર મૂકાયો છે. કોઈ વ્યક્તિ ફોર્મ-7 મારફતે વાંધો નોંધાવશે તો ચૂંટણી નોંધણી અધિકારી તેની તપાસ કરશે. વાંધો ઉઠાવનાર વ્યક્તિને નોટિસ આપી સુનાવણી કરવામાં આવશે. જે મતદારના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, તેને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે. જરૂરી ચકાસણી બાદ જ અધિકારી નિર્ણય લઈ શકશે. કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધનું આહ્વાન કર્યું હતું. સંગઠને મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા અભિયાન અંગે સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન CJPના અભિજીત દીપકે સહિત ત્રણ નેતાઓને દિલ્હી એરપોર્ટ પર પોલીસે અટકાયતમાં લીધા હતા. ચૂંટણી પંચનો નિર્ણય આ વિરોધના કારણે જ લેવાયો હોવાની સત્તાવાર પુષ્ટિ નથી.