રીપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. પોતાના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી શાહ રૂપાલ અને માણસા ખાતે આવેલા માતાજીના મંદિરોમાં પૂજા-અર્ચના કરશે.આ ઉપરાંત, તેઓ શિવજીની પ્રતિમાનું અનાવરણ કરશે તેમજ સ્થાનિક ગરબા મહોત્સવમાં પણ ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 5.45 વાગે ગાંધીનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ રૂપાલ ખાતે પહોંચશે. જ્યાં તેઓ વરદાયિની માતાના મંદિરે પૂજા કરશે. ત્યારબાદ મંદિર પરિસરમાં નિર્માણ પામેલી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનો શિલાન્યાસ કરશે. રૂપાલ બાદ તેઓ સાંજે 7.15 વાગે પોતાના વતન માણસામાં બહુચર માતાના મંદિરે પહોંચશે. નોંધનિય છે કે, નવરાત્રિ પર્વ દરમિયાન તેઓ દર વર્ષે પોતાના વતન માણસામાં તેમના પરિવારના કુળદેવી બહુચર માતાનાં દર્શને આવે છે. ગૃહમંત્રી શાહના આ પ્રવાસને પગલે ગાંધીનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી દ્રઢ શક્યતા સેવાઈ રહી છે કે ગૃહમંત્રી શાહ સાથે ગાંધીનગર મનપાના મેયરના નામ અંગે મહત્વની બેઠક અને ચર્ચા થઈ શકે છે.

