રીપોર્ટ@દેશ: સીમાંકન બિલ મુદ્દે ભાજપ સામે ભડક્યા ખડગે, વિપક્ષ સાથે કરી બેઠક

 
ખડગે
બેઠકમાં રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ હાજર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંસદના વિશેષ સત્ર પહેલાં INDIA ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક યોજી હતી. આ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા વિધેયક અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે આ વિધેયકનો વિરોધ કરવાની જાહેરાત કરતાં સરકાર પર લોકશાહીને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સીમાંકનના પ્રસ્તાવમાં SC-ST સમુદાયના હિતોની અવગણના કરવામાં આવી છે અને સરકાર બંધારણીય સુધારાનો ઉપયોગ સત્તામાં ટકી રહેવા માટે કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીમાંકનને લોકશાહી માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સરકાર સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સીમાંકન બિલમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ખડગેએ આરોપ લગાવ્યો કે લોકશાહીને નબળી પાડવા માટે સીમાંકન બિલ લાવવામાં આવી રહ્યું છે.ખડગેએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા સંબંધિત રાજ્યની કુલ બેઠકો અને રાજ્યમાં આ સમુદાયોની વસ્તીના પ્રમાણના આધારે નક્કી થાય છે. તેમના મતે, વસ્તીના પ્રમાણમાં બેઠકો હોવી જોઈએ. તેમણે કહ્યું કે જો SC-ST સમુદાયની વસ્તીમાં વધારો થાય તો તેના પ્રમાણમાં અનામત બેઠકો પણ વધવી જોઈએ. જોકે, હાલના પ્રસ્તાવમાં આ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ મુદ્દે તેમણે સરકાર પર અન્યાય કરવાનો આરોપ લગાવ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર રાજકીય સંખ્યા વધારવા માટે અન્ય પાર્ટીઓને તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર બેઠકોની સંખ્યા વધારીને કાયમી સત્તામાં રહેવા માગે છે. ખડગેએ જણાવ્યું કે INDIA ગઠબંધનના તમામ નેતાઓએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતું બંધારણીય સુધારા વિધેયક લોકશાહી માટે ગંભીર ખતરો છે અને તેનો વિરોધ કરવો જોઈએ. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સરકાર પોતાની ઇચ્છા મુજબના નિર્ણયો લાગુ કરવા માટે બંધારણમાં પણ ફેરફાર કરી શકે છે. કોંગ્રેસ આ વિધેયકનો વિરોધ કરશે.

ખડગેના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, TMCના અભિષેક બેનર્જી, રાજ્યસભાના અપક્ષ સાંસદ કપિલ સિબ્બલ, RJDના અભય કુમાર સિંહ અને મનોજ ઝા, CPIના પી. સંતોષ કુમાર, IUMLના ઇ.ટી. મોહમ્મદ બશીર અને RSPના એન.કે. પ્રેમચંદ્રન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશ પણ બેઠકમાં જોડાયા હતા.  NCP આ બેઠકમાં હાજર રહી નહોતી. સુપ્રિયા સુળેએ શુક્રવારે શરદ પવારની તબિયતનો હવાલો આપીને તેઓ સોમવારે દિલ્હી પહોંચશે તેમ જણાવ્યું હતું. સાથે જ પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહેશે તેવો સંકેત આપ્યો હતો. NCP બેઠકમાં સામેલ થઈ નહોતી. આ બેઠક માટે આમ આદમી પાર્ટી, BJD અને DMKને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.