રીપોર્ટ@દેશ: નાણા મંત્રાલયનો નવો આદેશ, રૂ.2,000 સુધીનું UPI પેમેન્ટ રહેશે સાવ મફત

 
નિર્ણય
દેશમાં માઇક્રો પેમેન્ટ્સનો દબદબો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડિજિટલ નાણાકીય વ્યવહારો કરતા દેશના કરોડો લોકો અને નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય તરફથી અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. સરકારે પોતાના નવા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે દેશની કોઈ પણ બેંક અથવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર રૂ.2,000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન અને RuPay ડેબિટ કાર્ડથી થતા પેમેન્ટ પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરી શકશે નહીં. નાણા મંત્રાલયના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે નાના-મોટા રોજિંદા વ્યવહારો ગ્રાહકો અને નાના દુકાનદારો માટે સંપૂર્ણપણે ફ્રી રહેશે.

ભારતમાં જો ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં માઇક્રો પેમેન્ટ્સ (નાની રકમના વ્યવહારો)નો દબદબો છે. ચાની ટપરી, શાકભાજી માર્કેટ, સ્થાનિક કિરાણા સ્ટોરથી લઈને ઓટો-રિક્શાના ભાડા સુધીની દૈનિક જરૂરિયાતો માટે દેશની જનતા હવે સંપૂર્ણપણે UPI પર નિર્ભર બની ચૂકી છે.નાણાકીય વર્ષ 2025-26ના ડેટા અનુસાર, દેશમાં થયેલા કુલ પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ટ્રાન્ઝેક્શનમાંથી આશરે 96% પેમેન્ટ્સ રૂ.2,000 કે તેથી ઓછી રકમના છે. આ જ મુખ્ય કારણ છે કે સરકારે રૂ.2,000 સુધીના ટ્રાન્ઝેક્શનને મફત રાખવાનો નિર્ણય કર્યો છે. જો આ નાના વ્યવહારો પર કોઈ ફી લાદવામાં આવે, તો તેનાથી દેશમાં 'ડિજિટલ ઇન્ડિયા'ની ઝડપ ધીમી પડી જવાનો ભય હતો.સરકાર અને બેંકો વચ્ચે રૂ. 1.5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા મોટા કારોબારીઓ પર રૂ. 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3% થી 0.5% સુધીનો મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે.