રીપોર્ટ@દેશ: PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને કરી ખાસ અપીલ, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ઓલ ઈન્ડિયા રેડિયો' પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કર્યા. તેમણ કાર્યક્રમમાં કહ્યું કે આજથી 12 વર્ષ પહેલા આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મારી આ યાત્રા સતત આગળ વધી રહી છે અને આ યાત્રાના સહયાત્રી અને માર્ગદર્શક તમે બધા છો.PM મોદીએ કહ્યું, "મારા માટે 'મન કી બાત' એ આપણા દેશના લોકોના પરિશ્રમ, શૌર્ય, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સેવાભાવનાની ગૌરવગાન કરવાનો શુભ અવસર રહ્યો છે. મારા માટે 'મન કી બાત' એક તીર્થયાત્રા સમાન છે. છેલ્લા 12 વર્ષોમાં દેશના ખૂણેખૂણેથી એવા અનેક લોકો સામે આવ્યા છે, જેમનું અસાધારણ યોગદાન ઘણીવાર સમાજની નજરમાં આવતું નથી. 'મન કી બાત' એ આવી અસંખ્ય પ્રેરણાદાયી કહાનીઓને તમારા સુધી પહોંચાડવાનુંઝ્કામ કર્યું છે." તેઓએ જણાવ્યું કે, "આપણા દેશમાં અનેક પરંપરાગત કૌશલ્યો છે, જે પેઢીઓથી આપણી ઓળખનો હિસ્સો રહ્યા છે. એ જોઈને આનંદ થાય છે કે આ પરંપરાઓને હવે નવા અભિગમો સાથે જોડવામાં આવી રહી છે અને તેને આજના સમયને અનુરુપ આગળ ધપાવવામાં આવી રહી છે.
પંજાબમાં પણ આવો જ એક પ્રયાસ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જ્યાં 'ખેતી વિરાસત મિશન' નામની એક સંસ્થાએ જૈવિક ખેતી અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓમાં નવા પ્રાણ ફૂંકવાનું શરૂ કર્યું છે. આ ટીમના લોકો પંજાબના માલવા ક્ષેત્રમાં કપાસની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માંગતા હતા. આ પહેલને 'નવ-ત્રિંજન' નામ આપવામાં આવ્યું છે."તેમણે વધુમાં કહ્યું, "આ પહેલ હેઠળ કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર જૈવિક (ઓર્ગેનિક) કપાસ ઉગાડવામાં આવે છે. તેઓ એવા કપાસની ખેતી પણ કરે છે જેમાં કુદરતી રંગો હોય છે, જેના કારણે તેમાંથી બનતા સૂતર કે કાપડને રંગવા માટે વધારાના કેમિકલોની જરૂર પડતી નથી. તમે કલ્પના કરી શકો છો કે પર્યાવરણને આનાથી કેટલો મોટો લાભ થાય છે. સાથીઓ, થોડા વર્ષો પહેલા 'નવ-ત્રિંજન' દ્વારા વણાટ કામ શીખવતી એક શાળા પણ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય વણાટ કળાને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ શાળાએ પણ ઘણી મહિલાઓની જિંદગી બદલી નાખી છે.
તેમણે વધુમાં ઉમેર્યું, "પ્રકૃતિનો આદર કરવાની આપણી જૂની પરંપરા છે. આપણા પૂર્વજોએ આપણને શીખવ્યું છે કે આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી અને જળ સ્ત્રોતોની સંભાળ રાખવી એ આપણી પોતાની જવાબદારી છે. મને એ જોઈને આનંદ થાય છે કે દેશભરમાં ઘણા લોકો આ ભાવનાને પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે. આવી જ ભાવના ઉત્તરાખંડના ટેહરી ગઢવાલમાં જોવા મળે છે, પીએમ મોદીએ કહ્યું કે, "થોડા સમય પહેલા હેવાલ નદીમાં પાણીનું સ્તર ઘટ્યું હતું અને નજીકના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા હતા. તેથી સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામજનોએ નદીને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને ભૂગર્ભ જળ સ્તર વધારવા (ગ્રાઉન્ડ વોટર રિચાર્જ) માટે પગલાં લીધાં, તેમજ મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યા. આજે આ પ્રયાસોને કારણે હેવાલ નદીને નવું જીવન મળ્યું છે અને ડઝનબંધ કુદરતી જળ સ્ત્રોતો પણ પુનર્જીવિત થયા છે.
તેઓએ જણાવ્યું કે, "આ તહેવારોની સિઝનમાં તમે તમારી આસપાસ એક બદલાવ જોયો હશે, લોકો હવે ખરીદી કરતી વખતે સ્વદેશી ઉત્પાદનોને વધુ મહત્વ આપી રહ્યા છે. 'વોકલ ફોર લોકલ'ની આ ભાવના હવે આપણા ઉત્પાદનોને વૈશ્વિક બજારો સુધી પહોંચાડી રહી છે. ઉદાહરણ તરીકે, બિહારના પૂર્ણિયાના 'મખાના' હવે ગ્રીસ પહોંચી રહ્યા છે અને કર્ણાટકના કલબુર્ગીની 'અળદની દાળ' માલદીવ જઈ રહી છે. એટલે કે ભારતીય ખેડૂતો માટે નવા વૈશ્વિક બજારો ખૂલી રહ્યા છે."PM મોદીએ કહ્યું કે, "મહારાષ્ટ્રમાં આદિવાસી સમુદાયોએ પોતાના બનાવેલા ઉત્પાદનોના પેકેજિગ પર ઘણું ધ્યાન આપ્યું છે. અહીં 'શબરી નેચરલ્સ' દ્વારા મધ, મહુડા, ચિરોંજી અને વાંસમાંથી બનેલી વસ્તુઓ બજારમાં લાવવામાં આવી રહી છે. તેમના પેકેજિંગ પર આદિવાસી કળા જોવા મળે છે. તમને જાણીને આનંદ થશે કે આ પેકેજિંગને જાપાનનો પ્રતિષ્ઠિત 'ગુડ ડિઝાઈન એવોર્ડ' મળ્યો છે. આપણા યુવાનો પણ આ ક્ષેત્રમાં નવા પ્રયોગો કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં એક 'બાંબુ' વાંસ આધારિત સ્ટાર્ટઅપ, વાંસ અને ખેતીમાંથી નીકળતા કચરામાંથી પેકેજિંગ મટિરિયલ બનાવી રહ્યું છે.PM મોદીએ કહ્યું, "જ્યારે સ્થાનિક ઉત્પાદનોની વાત આવે છે, ત્યારે ખાદીનો ઉલ્લેખ થવો સ્વાભાવિક છે. આ વર્ષે માત્ર ગાંધી જયંતિના દિવસે જ ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું વેચાણ 28 કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું. આ આંકડો ગયા વર્ષ કરતા 1.5 કરોડ રૂપિયા વધારે છે, જે દર્શાવે છે કે ખાદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનો લાભ એવા લોકો સુધી પહોંચી રહ્યો છે, જેમની કુશળતા અને સખત મહેનતથી ખાદી અને હસ્તકલા જેવી વસ્તુઓ તૈયાર થાય છે."
PM મોદીએ કહ્યું, "તહેવારોની સિઝનમાં, આપણે આપણા પરિવાર અને પ્રિયજનો માટે ઘણી વસ્તુઓ ખરીદીએ છીએ. આ વખતે પણ, જ્યારે તમે ખરીદી કરો ત્યારે સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને પ્રાધાન્ય આપો. તમારી ખરીદી તેમનો ઉત્સાહ વધારશે. આ પ્રકારની આત્મીયતાની ભાવના 'વોકલ ફોર લોકલ' અભિયાનને આગળ વધારશે. આ અભિયાન જેટલું વધુ વેગ પકડશે, તેટલી જ ઝડપથી 'આત્મનિર્ભર ભારત'નું સ્વપ્ન સાકાર થશે. તેથી, હું તમને વ્યક્તિગત રીતે અનુરોધ કરું છું કે સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓને પ્રાધાન્ય આપો અને તેને મહત્વ આપો."પ્રધાનમંત્રીએ નોંધ્યું, "આપણા દેશના લોકોની એક ખાસિયત એ છે કે આપણે નવી ટેક્નોલોજીને ખૂબ જ ઝડપથી અપનાવી લઈએ છીએ. આપણે સ્વાભાવિક રીતે જ ટેક્નોલોજીને આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવી લઈએ છીએ. 'ઈ-સંજીવની' યોજના તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે લોકોનું જીવન સરળ બનાવવા માટે ટેક્નોલોજીનો કેટલી અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. એ જાણીને ખૂબ જ સંતોષ થાય છે કે આ પ્લેટફોર્મ દ્વારા લગભગ 50 કરોડ ટેલી-કન્સલ્ટેશન કરવામાં આવ્યા છે, જે ખરેખર એક મોટો આંકડો છે. આ ટેક્નોલોજીની શક્તિ, આપણા તબીબોની સમર્પિત ભાવના અને આપણા નાગરિકોએ તેમાં મૂકેલા વિશ્વાસનું એક અદભૂત ઉદાહરણ છે."

