રીપોર્ટ@દેશ: PM મોદી કર્ણાટકની મુલાકાતે, રૂ.15,600 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી

 
Modi

મેટ્રોથી વંદે ભારત સુધી અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી આજે કર્ણાટકની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રૂ.15,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં મેટ્રો, રેલવે, ઊર્જા, પેટ્રોલિયમ અને માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાને બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ઉપરાંત 4 અમૃત ભારત રેલવે સ્ટેશનનું લોકાર્પણ, નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અને મેંગલુરુમાં દેશના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ LPG સ્ટોરેજ કેવર્નને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનના નવા એલિવેટેડ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. લગભગ રૂ.3,470 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ તાવરેકેરે મેટ્રો સ્ટેશનથી IIM બેંગલુરુ સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ નવી સુવિધાથી મુસાફરોનો સમય બચશે અને શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે.ઊર્જા સુરક્ષાની દિશામાં પણ વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ ભેટ આપી હતી. તેમણે મેંગલુરુમાં ભારતના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ LPG સ્ટોરેજ કેવર્નને દેશને સમર્પિત કર્યું હતું. ₹850 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આ સુવિધાની સંગ્રહ ક્ષમતા 80,000 મેટ્રિક ટન છે. આ ઉપરાંત ન્યૂ મેંગલોર પોર્ટને મુખ્ય ટર્મિનલ સાથે જોડતી 9.4 કિલોમીટરની LPG પાઇપલાઇન પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. આ સુવિધાથી દેશમાં LPGના સંગ્રહ અને પુરવઠાની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.રેલવે ક્ષેત્રે પણ કર્ણાટકને અનેક મહત્વપૂર્ણ ભેટ મળી છે. વડાપ્રધાને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત 4 રેલવે સ્ટેશન ચામરાજનગર, ચિક્કમગલુરુ, સક્લેશપુર અને સુબ્રમણ્યા રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉપરાંત બેંગલુરુ-મેંગલુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનથી કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને ગોવા વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનવાની આશા છે. આ પ્રોજેક્ટ્સ ઉપરાંત રાજ્યમાં રિન્યુએબલ એનર્જી અને વીજળી ટ્રાન્સમિશન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ વિકાસકાર્યો કર્ણાટકની માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે અને વિકસિત ભારતના લક્ષ્‍યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.