રીપોર્ટ@દેશ: ચિન્મય અમૃત મહોત્સવમાં PM મોદીનું મોટું નિવેદન, 'મારી દરેક નીતિના કેન્દ્રમાં દેશના યુવાનો'

 
મોદી
નવી પેઢીને ભારતીય મૂલ્યો સાથે જોડવાનો સંદેશ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુક્રવારે ભારત મંડપમ ખાતે ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે યુવાનો, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. PM મોદીએ જણાવ્યું કે તેમની સરકારની નીતિઓ અને પ્રયાસોના કેન્દ્રમાં દેશના યુવાનો છે. તેમણે દેશના વિકાસમાં યુવાશક્તિની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે યુવાનોને યોગ્ય શિક્ષણ, સંસ્કાર અને આધુનિક ટેક્નોલોજીની તક મળે તો તેઓ દેશના ભવિષ્યને નવી દિશા આપી શકે છે. ચિન્મય અમૃત મહોત્સવના આયોજનમાં યુવાનોની ભાગીદારીની તેમણે પ્રશંસા કરી હતી.

તેઓએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે શિક્ષણમાં ભારતીય જ્ઞાનપરંપરા, માતૃભાષા અને આધુનિક વિજ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર શિક્ષણ માત્ર રોજગાર મેળવવાનું સાધન નહીં, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસનો આધાર બનવું જોઈએ.ચિન્મય મિશનની સ્થાપના સ્વામી ચિન્મયાનંદે વર્ષ 1951માં કરી હતી. સંસ્થા આધ્યાત્મિક શિક્ષણ, સામાજિક સેવા અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે કાર્યરત છે. સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં ત્રણ દિવસીય વૈશ્વિક સંમેલન યોજાયું છે.23થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં ભારત સહિત વિવિધ દેશોના હજારો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ચિન્મય મિશનની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં નવી પેઢીને ભારતીય મૂલ્યો સાથે જોડવાનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતની જ્ઞાનપરંપરા દેશની ઓળખનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ પરંપરાને જાળવી રાખવાની સાથે આધુનિક યુગની જરૂરિયાતોને પણ સ્વીકારવી જરૂરી છે.