રીપોર્ટ@દેશ: રાષ્ટ્રપતિએ 3 જજોની કરી નિમણૂક, ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ
અટલ્ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ત્રણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપારેશ કુમાર સિંહની પણ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ત્રણેય ન્યાયાધીશોની નિમણૂક અંગે સત્તાવાર માહિતી શેર કરી હતી. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ મળેલી સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ કરવામાં આવી હતી. હવે તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક બાદ ગુજરાત હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂકનો માર્ગ ખુલ્યો છે.
હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સૌથી સિનિયર જજ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકનું નામ આગળ છે. નવા ચીફ જસ્ટિસ અંગે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ અને ત્યારબાદની પ્રક્રિયા મુજબ થશે. ત્રણેય નવા ન્યાયાધીશો શપથ ગ્રહણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કુલ 37 ન્યાયાધીશો થઈ જશે. હાલમાં CJI સહિત સુપ્રીમ કોર્ટમાં 34 ન્યાયાધીશો કાર્યરત છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે. નવા ન્યાયાધીશોની નિમણૂક આ વિસ્તૃત મંજૂર સંખ્યાના આધારે થઈ રહી છે. ત્રણેય ન્યાયાધીશોના શપથ બાદ પણ સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે.
જસ્ટિસ સુનિતા અગ્રવાલે જુલાઈ 2023માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ચીફ જસ્ટિસનું પદ સંભાળનારા બીજા મહિલા ન્યાયાધીશ બન્યા હતા. તેમણે 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1990માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. ત્યારબાદ તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં સિવિલ અને બંધારણીય કાયદાના ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.
જસ્ટિસ સુનિતા અગ્રવાલને નવેમ્બર 2011માં અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2013માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. એક દાયકાથી વધુની તેમની ન્યાયિક કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદા સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદા આપ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણૂકથી ગુજરાત હાઈકોર્ટમાં તેમના કાર્યકાળ બાદ ન્યાયિક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે.

