રીપોર્ટ@દેશ: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, 'અમે પોતે NTAની ઓફિસ જઈને જોઈશું'

 
સુપ્રીમ કોર્ટ
NTAમાં સુધારા માટે રચાયેલી કમિટીની ભલામણો માત્ર કાગળ પર ન રહેવી જોઈએ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુપ્રીમ કોર્ટે NEET-UG 2026 પરીક્ષા લીક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારા સંબંધિત અરજીઓ પર કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ખંડપીઠ જાતે NTA ની ઓફિસ જઈને ત્યાંની વ્યવસ્થા અને સિસ્ટમ ખરેખર કામ કરી રહી છે કે નહીં તેની તપાસ કરી શકે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, સુધારાઓ માત્ર કાગળના રિપોર્ટ સુધી સિમિત ન રહેવા જોઈએ, પરંતુ તેને જમીની સ્તર પર લાગુ કરવા જરૂરી છે.

કેસની સુનાવણી કરી રહેલી જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, NTAમાં સુધારા માટે રચાયેલી કમિટીની ભલામણો માત્ર કાગળ પર ન રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિંહાએ કહ્યું, 'અમે પોતે NTAની કાયમી ઓફિસ જઈને જોઈશું કે, ત્યાં સિસ્ટમ ખરેખરમાં અસ્તિત્વમાં છે કે નહીં!, તે કેવી રીતે કામ કરી રહી છે, ત્યાં કેટલો મેનપાવર છે, અને બાકીની વ્યવસ્થા કેવી છે.' સુપ્રીમ કોર્ટે હાઈ-પાવર્ડ કમિટી સાથે સંકલન સાધી રહેલા જોઈન્ટ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કમિટી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સુધારા અને પ્રગતિ અહેવાલ પર વિસ્તૃત એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે.

કોર્ટે NTAને આદેશ આપ્યો છે કે, સુધારા અને પ્રગતિની માહિતી આપતું આ એફિડેવિટ પોતાની સત્તાવાર વેબસાઈટ પર સાર્વજનિક રૂપે અપલોડ કરવામાં આવે. વિદ્યાર્થીઓ, રાજ્ય સરકારો અને વકીલો NTAમાં સુધારા અંગેના પોતાના સૂચનો નિર્ધારિત ઈમેલ આઈડી પર મોકલી શકશે. સર્વોચ્ચ અદાલતે NTA અને સંબંધિત પક્ષકારોને નવું અને અપડેટ સ્ટેટસ રિપોર્ટ/એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, અને કહ્યું છે કે, નવું એફિડેવિટ રેકોર્ડ પર આવ્યા બાદ જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.