રીપોર્ટ@દેશ: PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 3 ઐતિહાસિક નિર્ણયો લેવાયા
ખેડૂતોને મળશે રૂ.૯૦,૯૬૨ કરોડનો સીધો લાભ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.સરકારે રવિ સિઝનના મુખ્ય પાકો માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૫ નો સપાટ વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણયથી ઘઉં, ચણા, રાઈ (સરસવ), જવ, વટાણા અને મસૂર પકવતા દેશભરના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે. આ ભાવવધારા બાદ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની આગામી રવિ સીઝન માટે ઘઉંનો MSP અગાઉના રૂ.૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલના દરથી વધીને હવે રૂ.૨,૬૧૦ પ્રતિ ક્વિન્ટલ થઈ જશે. બુધવારે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠકમાં કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના માટે કેન્દ્ર સરકાર કુલ રૂ.૨,૭૯,૧૫૭ કરોડનો જંગી ખર્ચ કરશે.
કેન્દ્રીય કેબિનેટે દેશના વિવિધ ક્ષેત્રોના વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વના પ્રસ્તાવો પર મહોર લગાવી છે ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ મળે તે માટે તમામ મુખ્ય રવિ પાકોના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૫ નો વધારો કરવામાં આવ્યો છે. ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ‘PM DHARA’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના મુખ્યત્વે રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) ને રાષ્ટ્રીય ગ્રીડ સાથે સાંકળવા અને અદ્યતન સ્માર્ટ ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજધાની દિલ્હીમાં વાહનવ્યવહારને સુચારુ બનાવવા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે ‘ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS) ના અમલીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે.કેબિનેટના નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “મોદી સરકારે શરૂઆતથી જ ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને નિર્ણયો લીધા છે. ભૂતકાળમાં જ્યાં કૃષિ નીતિઓ મર્યાદિત દાયરામાં બનતી હતી, ત્યાં આજે ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે વ્યાપક સ્તરે કામ થઈ રહ્યું છે.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ઘઉં, જવ, ચણા, મસૂર અને રાઈ (સરસવ) જેવા પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ એવી રીતે નક્કી કરવામાં આવ્યા છે કે ખેડૂતોને તેમના અંદાજિત ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછો ૫૦ ટકા વધુ નફો મળે.”
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ઘઉંનો અંદાજિત ઉત્પાદન ખર્ચ પ્રતિ ક્વિન્ટલ રૂ.૧,૨૬૪ છે, જ્યારે સરકારે તેનો MSP રૂ.૨,૬૧૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. આ ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં ૧૦૦ ટકાથી પણ વધુ છે, જે ખેડૂતોની કમાણી બમણી કરવામાં મદદરૂપ થશે.તેવી જ રીતે, જવના પાક માટે ઉત્પાદન ખર્ચ રૂ.૧,૪૪૭ ની સામે મેટ્રિક ટનથી વધુ પાકની સીધી ખરીદી કરવામાં આવશે, જેનાથી દેશના ખેડૂતોના ખાતામાં સીધા રૂ.૯૦,૯૬૨ કરોડ પહોંચશે.

