રીપોર્ટ@પંચમહાલ: કાલોલ તાલુકામાં તંત્રની ઘોર બેદરકારી, બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પંચમહાલ જિલ્લાના કાલોલના દેરોલ નજીકથી સરકારી અનાજ વિતરણ માટેનો મીઠાનો જથ્થો બિનવારસી હાલતમાં રોડ પર પડેલો મળી આવ્યો છે. આશરે 50 જેટલી મીઠાની બેગો રસ્તા પર ખુલ્લી હાલતમાં જોવા મળી હતી, જેના કારણે સરકારી જથ્થાના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સરકારી મીઠું ગરીબ અને જરૂરીયાતમંદ વર્ગના લોકોને રાહત દરે વાપરવા માટે ફાળવવામાં આવે છે. આવા મહત્ત્વના જથ્થાનું રોડ પર બિનવારસી પડ્યું રહેવું એ વહીવટી તંત્રની બેદરકારી દર્શાવે છે. આ ઘટનાથી અન્ન, નાગરિક પુરવઠા વિભાગ અને અનાજ ગોડાઉનના સંચાલન પર સીધો પ્રશ્ન ઊભો કર્યો છે. સરકારી અનાજ અને અન્ય વસ્તુઓનું વિતરણ કેવી રીતે થાય છે અને સુરક્ષાના કેવા માપદંડોનું પાલન થાય છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. આ સરકારી મીઠું કોના પાપે બહાર પડ્યું અને આ ઘટના માટે કોણ દોષિત છે, તેની તાત્કાલિક અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.