રીપોર્ટ@પંચમહાલ: મોરવા હડફ વિસ્તારમાં 3 દિવસના ભારે વરસાદથી ડેમ છલકાયો, અનેક ગામોને એલર્ટ

 
ડેમ
ડેમની જળસપાટી 166.15 મીટરે પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં 3 દિવસથી પડી રહેલા સાતત્યપૂર્ણ વરસાદને કારણે હડફ ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ રહી છે. ડેમની જળસપાટી તેની નિર્ધારિત ફાળવેલી સપાટીની નજીક પહોંચી જતાં તંત્ર દ્વારા જળસ્તર જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં વહાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.હડફ ડેમ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 16,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની વર્તમાન જળસપાટી વધાઈને 166.15 મીટરે પહોંચી ગઈ છે.

હડફ ડેમનું રૂલ લેવલ 166.20 મીટર નક્કી કરવામાં આવેલું છે. ડેમ તેની ભયજનક સપાટીની ખૂબ જ નજીક પહોંચી ગયો હોવાથી રૂલ લેવલ જાળવી રાખવું જરૂરી બન્યું છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને ડેમ ઓથોરિટી દ્વારા હડફ ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી 16,368 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હડફ ડેમ વિભાગે જણાવ્યું છે કે, ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી હોય, જો જરૂર જણાશે તો નદીમાં 25,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી હડફ નદીના હેઠવાસમાં આવેલા અને કિનારે વસેલા તમામ ગામોના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનો તથા સ્થાનિકોને નદી કિનારે કે કોઝવે તરફ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.