રિપોર્ટ@પાટણ: ચાંદીપુરા વાયરસથી 5 વર્ષીય બાળકનું મોત, વધુ એક શંકાસ્પદ કેસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ ગંભીર કેસ સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના 5 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકની તબિયત અચાનક બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બે દિવસની સારવાર છતાં તેનું જીવન બચાવી શકાયું નહોતું. બાળકના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પુષ્ટિ થઈ છે.
બાળકના મોત બાદ આરોગ્ય વિભાગની વિશેષ ટીમ તરત જ સાણોદરડા ગામે પહોંચી હતી. ગામમાં સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય બાળકોમાં તાવ અથવા વાયરસના લક્ષણો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી તકેદારી રાખવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાણસ્મા તાલુકાના તરારા ગામમાં પણ 10 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. એક બાળકના મોત અને વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ સમગ્ર પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે.

