રીપોર્ટ@પાટણ: કોંગ્રેસને મોટો ઝટકો, હારીજ પાલિકાના ચાર કોર્પોરેટરો આજે ભાજપમાં જોડાયા

હારીજ નગરપાલિકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણ જિલ્લા કોંગ્રેસ માટે આજે મોટો ફટકો પડ્યો છે. હારીજ નગરપાલિકાના કોંગ્રેસના ચાર ચૂંટાયેલા નગરસેવકો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે. આ ઘટનાને કારણે જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હારીજ પાલિકાના વોર્ડ નંબર 1 અને 6 માંથી કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોએ આજે પાટણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય સ્થાનિક નેતાઓની હાજરીમાં આ નગરસેવકોને વિધિવત રીતે ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભાજપમાં જોડાનારા કોર્પોરેટરોના નામ નીચે મુજબ છે:કિંજલબેન ચકસુકુમાર મહેતા (વોર્ડ નં. 6), બિપિનકુમાર દેવશંકર (વોર્ડ નં. 6), વાસંતિબેન મહેશભાઈ ઠાકોર (વોર્ડ નં. 6), દીપિકાબેન ચિરાગભાઈ રાવળ (વોર્ડ નં. 1). ઉલ્લેખનીય છે કે હારીજ નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે, જેમાંથી અગાઉ ભાજપ પાસે 14 બેઠકો હતી અને કોંગ્રેસ પાસે પણ સારી સંખ્યામાં નગરસેવકો હતા.
આજે કોંગ્રેસના ચાર નગરસેવકો ભાજપમાં જોડાઈ જતા, હવે પાલિકામાં ભાજપની બેઠકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 6 બેઠકો બાકી રહી છે. આ ઘટના બાદ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે હારીજ નગરપાલિકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે, જ્યારે કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે. આગામી દિવસોમાં પાટણ જિલ્લા કોંગ્રેસ આ ભંગાણને કેવી રીતે સંભાળે છે અને પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું.