રિપોર્ટ@પાટણ: HNGU યુનિવર્સિટીના કૌભાંડમાં સરકારની જ સંડોવણી, સરકાર કૌભાંડીઓને બચાવે છેઃ કિરીટ પટેલ
બે વર્ષ થઈ ગયાં છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિક્ષણને રાજ્યમાં ફરી એકવાર સરકારી યુનિવર્સિટીમાં કૌભાંડની ઘટના ફરી સામે આવી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વિદ્યાર્થીઓની પુરવણી બદલી તેમને પાસ કરી દેવાયા હોવાનું સામે આવ્યું હોવા છતાં સરકાર કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી.ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આજે યુનિવર્સિટી કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આક્ષેપ કર્યાં હતાં.
કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આ મુદ્દે રજૂઆત કરતાં કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું અને પોલીસ રિપોર્ટમાં પણ ગુનો દાખલ કરવા માટેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને આપવામાં આવ્યો હતો. વિપક્ષના આરોપ મુજબ બે વર્ષ થઈ ગયાં છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને સરકાર કૌભાંડીઓને બચાવી રહી છે. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું કે, 'જે તે વખતે ACS હોમ પંકજ કુમાર દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની 120 પુરવણી બદલી દઈ પાસ કરી દેવાયા હતાં.
યુનિવર્સિટીની તપાસ માં પણ આ કૌભાંડ બહાર આવ્યું હતું અને શિક્ષણ સચિવને પત્ર પણ લખ્યો હતો. જેમાં જવાબદાર સામે કાર્યવાહી કરી સાત દિવસમાં રિપોર્ટ કરવાની વાત કરી હતી. સરકારનો નિયમ છે છતાં ગુનેગારોને નિવૃત્ત કરીને અમુક અધિકારીઓને લાભ આપી દેવામાં આવ્યા, અમે નામદાર હાઇકોર્ટમાં રિપોર્ટ અમે CID ક્રાઈમનો રિપોર્ટ રજૂ કર્યો જેમાં જે. જે વોરા અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓનું નામ હતું.' કૌભાંડમાં સામેલ આરોપીઓ સામે ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાનો હતો પણ ગુનો દાખલ કરવામાં ન આવતા આજે કોંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.