રિપોર્ટ@પાટણ: શાળામાં બાળકોને વહેંચવાના પુસ્તકોનો બારોબાર વહીવટ, પટાવાળાને સસ્પેન્ડ કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાટણમાં બાળકોને વહેંચવાના પુસ્તકોનો બારોબાર વહીવટ કરાતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અઘાર પ્રાથમિક શાળાના પુસ્તકો પસ્તીમાંથી મળી આવ્યા છે અને શાળાના પટ્ટાવાળાએ બારોબાર પુસ્તકોનો વહીવટ કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. શાળાના પટાવાળાએ ધોરણ 1થી 12 સુધીના અલગ અલગ પુસ્તકો વેચી દીધા હતા. મામલો પ્રકાશમાં આવતા પટાવાળાને સસ્પેન્ડ કરાયો છે.
શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને ઉજાગર કરતો કિસ્સો પાટણ જિલ્લામાં બહાર આવ્યો છે. સરકારી પુસ્તકો ભરેલી રિક્ષા પકડાયા બાદ સમગ્ર મામલાની જાણ થઇ હતી કે શાળામાં વિતરણ કરવાના પુસ્તકોને બારોબાર વેચી દેવાયા છે. રિક્ષામાંથી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામની પ્રાથમિક શાળાના પુસ્તકો પકડાયા હતા. એક વાલીએ આ સમગ્ર કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો. અઘાર પ્રાથમિક શાળાના પુસ્તકો પસ્તીમાંથી મળી આવ્યા હતા. શાળાના પટાવાળાએ બાળકોને આપવાના પુસ્તકો 4 હજારમાં પસ્તીમાં વેચી માર્યા હતા. 500થી વધુ પુસ્તકો પટાવાળાએ પસ્તીમાં આપી દીધા હતા.
ધોરણ 1થી 12 સુધીના અલગ અલગ પુસ્તકો વેચી દેવાયા હતા.BRC ભવનમાં કામ કરતા પટાવાળા રણજીત ઠાકોરે આ કારસ્તાન કર્યું હતું. BRC એ જવાબદાર પટાવાળાને નોકરીમાંથી બરતરફ કર્યો છે. પુસ્તકોને ફરી અઘાર પ્રાથમિક શાળામાં લવાયા છે.પાટણમાં પાઠ્ય પુસ્તકો વેચી દેવા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિતરણ વ્યવસ્થામાં ખામીના લીધે આવા બનાવ બને છે. અગાઉ પણ આવી ઘટના બની હતી પરંતુ તપાસ હજુ થઇ નથી. તેમણે આરોપ લગાવ્યો કે પુસ્તકો સગેવગે કરવામાં મોટા માથાઓ સામેલ છે.