રીપોર્ટ@પાટણ: ઝીલિયા હુમલા મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ગરમાવો, આરોપીઓના સરઘસ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર જિલ્લામાં ઝીલીયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલા મામલે અલ્પેશ ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક માટે મળ્યા હતા. બેઠક દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ મામલે શરૂઆતમાં અલ્પેશ ઠાકોરે સોમવારે ઠાકોર સમાજનું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં તેમણે યુ-ટર્ન લઈ સંમેલન નહીં યોજવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સમાજના આગેવાનો અને ધારાસભ્યની દબાણભરી માંગને પગલે પોલીસ વિભાગે કાર્યવાહી કરવી પડી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબીના ચાર કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કુલદીપ લક્ષ્મીદાસ, કિરણ ભલાભાઈ, અતુલ બળદેવભાઈ અને હસમુખ અમરાભાઈનો સમાવેશ થાય છે. અલ્પેશ ઠાકોરે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ ગુનેગારોને છાવરવા માટે સીધી કે આડકતરી રીતે મદદ કરી રહ્યા છે. તેમણે આવા તત્વો સામે કડક પગલાં લેવા પણ માંગ કરી હતી. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

