રીપોર્ટ@પાટણ: 'રાણી કી વાવ' ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ" જાણો વધુ

 
રાણી કી વાવ
આ શો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણમાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'રાણી કી વાવ' ખાતે શરૂ કરાયેલા અદભુત 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ભવ્ય એવોર્ડ "એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ" કેટેગરીમાં ગુજરાતના નામે થયો છે.

આ આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે કે આપણી પ્રાચીન વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીનો કેટલો આધુનિક અને શાનદાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીં આવતા મુલાકાતીઓને એક ક્ષણ માટે ઇતિહાસના સુવર્ણકાળમાં લઈ જાય છે.ભારતના સૌથી લોકપ્રિય સ્મારકોમાં સ્થાન ધરાવતી આ ઐતિહાસિક વાવને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ગુજરાત આવે છે. પ્રવાસીઓના આ રોમાંચ અને અનુભવને ઓર બહેતર બનાવવાના હેતુથી ગુજરાત સરકારે રાણી કી વાવ ખાતે આ અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, આ શો શરૂ થયો ત્યારથી જ પ્રવાસીઓ તેના દિવાના બની ગયા છે.

12 જુલાઈ, 2026 સુધીના સત્તાવાર આંકડાઓ અનુસાર, 44,209 થી વધુ મુલાકાતીઓ આ ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોનો અદભુત નઝારો પ્રત્યક્ષ નિહાળી ચૂક્યા છે અને આ આંકડો રોજબરોજ બહુ ઝડપથી વધી રહ્યો છે. હાલમાં આ શોના સફળ સંચાલન અને જાળવણીની જવાબદારી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એક ખાસ એજન્સી સંભાળી રહી છે.આ પ્રોજેક્ટને આટલી મોટી સફળતા મળ્યા બાદ અમલીકરણ એજન્સી દ્વારા તેને 'WOW એવોર્ડ્સ એશિયા 2026' માં નોમિનેશન માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં એશિયાભરના શાનદાર પ્રોજેક્ટ્સ વચ્ચે કડી જોડીને ગુજરાતના આ પ્રોજેક્ટે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી લીધો છે.