રીપોર્ટ@પાટણ: સ્પોર્ટ્સના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી ખરીદીમાં મહાકૌભાંડ છતાં તપાસ નહિ, મોટો ખુલાસો

 
Patan district special news report
ડીડીઓ પ્રજાપતિને જાણ હોવા છતાં સરકારના હિતમાં તપાસ નથી કરાવી, કૌભાંડીઓને કોનું પીઠબળ????

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

પાટણ જિલ્લા આયોજન મંડળ દ્વારા આપેલ વહીવટી મંજૂરી બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ કરેલી ખરીદી મામલે ફરીથી મોટી વિગતો સામે આવી છે. રમતગમતના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી ખરીદીમાં ટેન્ડર પ્રક્રિયાથી લઈને માલસામાન ખરીદી અને ગુણવત્તા સુધીમાં મહા કૌભાંડ છે. સમગ્ર વિષયની જાણ ભૂતપૂર્વ અને હાલના ડીપીઈઓ, ડીડીઓ અને ડીપીઈઓને હોવા છતાં તપાસ કરાઇ નથી. આ બાબતે ડીપીઇઓ કહે છે કે, ભૂતકાળનુ છે અને પ્રક્રિયા પૂર્ણ થઈ છે જ્યારે ડીપીઓ કહે છે કે, ખરીદીમાં અમારો કોઈ રોલ નથી. જાણીએ મહાકૌભાંડ છૂપાવવા અને કૌભાંડીઓને બચાવવા કોણ ઈચ્છુક છે તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ.

પાટણ જિલ્લા આયોજન દ્વારા ગત નાણાંકીય વર્ષ 2023-24 દરમ્યાન પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને રમતગમતના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી ખરીદી માટે ગ્રાન્ટ આપી હતી. આ ગ્રાન્ટ મેળવ્યા પછી તત્કાલીન ડીપીઇઓ દ્રારા ટેન્ડર પ્રક્રિયા કરેલી પરંતુ આ ટેન્ડર પ્રક્રિયા ભયંકર સવાલો અને કૌભાંડની દુર્ગંધથી ભરેલી હતી. રમતગમતના સાધનોની એક કીટ 5 લાખની હતી ત્યારે ટેન્ડરમાં આવેલી એજન્સીઓ વચ્ચે ભાવની હરિફાઈ જાણી ચોંકી જશો. એક કીટ 4.97 લાખમાં ઓફર થઇ તો ભાવ કેમ પારદર્શક હરિફાઈ વચ્ચે ડાઉન ના થયા? આટલું જ નહિ, જે શાળાઓમાં રમતગમતના સાધનો આપેલા તેની આજેપણ તપાસ કરો તો ખૂબ જ હલકી ગુણવત્તાના છે. આવી જ સ્થિતિ ડીજીટલ લાઈબ્રેરી સેટ ખરીદીમાં પણ થઈ હોવાથી મહા કૌભાંડનો આંકડો વધી ગયો છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે શાળામાં રમતગમતના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી સેટ આપ્યા છે તેની કોઈપણ વેપારી મારફતે ભાવ કઢાવો તો પણ મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. રૂપિયા 4.97 લાખથી ખરીદ વેચાણ કરાવનાર અને ઓનલાઇન ટેન્ડરથી અન્ય વેપારીથી ખરીદી કરવા સુધીની ગોઠવણ પૂર્વ આયોજિત હતી. આ બાબતે જો પારદર્શક રિવર્સ ઓક્શન થયું હોત અને સમગ્ર ટીમે સરકારના હિતમાં પ્રો એક્ટિવ ભૂમિકા ભજવી હોત તો એક કીટ 4.97 લાખને બદલે 2.5 લાખમાં ખરીદાઇ હોત. આ બાબતે તપાસ કેમ નહિ તેવો સવાલ કરતા હાલના ડીપીઇઓ કહે છે કે, ભૂતકાળનુ છે. આયોજન અધિકારી કહે છે કે, ખરીદીમાં અમે નથી. ભૂતપૂર્વ ડીપીઓ નરેશ પટેલ ઘણું જાણતા હોય પરંતુ અત્યારે અન્ય જિલ્લામાં હોઈ હાલના ડીપીઓને પૂછો તેમ કહ્યું હતુ. એક બીજી એવી છે કે, બંને ટેન્ડરમાં એક જ એજન્સી હતી તો ટેકનિકલ ચકાસણી શું પારદર્શક થઈ હતી ? આ પણ સૌથી મોટો સવાલ છે. આગામી ન્યૂઝ રીપોર્ટમાં મહા કૌભાંડના અસલી ખેલાડીઓનો ખુલાસો કરીશું.