રીપોર્ટ@પાટણ: સિદ્ધિ સરોવર ખાલી થઈ જતા જળસંકટ, નગરપાલિકાની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું

 
વિરોધ
પ્રાઇવેટ ટેન્કર દ્વારા પણ પાણી ન મળતા પાણી માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણ નગરપાલિકાના વહીવટકર્તાઓની બેદરકારીના કારણે શહેરનું મુખ્ય પાણી સ્ત્રોત સિદ્ધિ સરોવર હાલ ખાલીખમ થઈ રહ્યું છે. 28 ઑક્ટોબરે ખોરસમની કેનાલ પર આવેલ વાલ તૂટી જતા સિદ્ધિ સરોવરમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું પરિણામે શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે જેથી શહેરના માથે પાણીનું સંકટ ઘેરાયું છે. સિદ્ધિ સરોવર પૂરતું ભરેલું હોય તો શહેરની જનતાને પાંચ દિવસ સુધી પાણી પુરવઠો સુલભ રહેતો હતો. પરંતુ વાલ તૂટી ગયાના બે દિવસ બાદ પણ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા હાલ પાટણની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે.

શહેરના સ્લમ વિસ્તારોથી લઈને મધ્યમ વર્ગીય વિસ્તારો, મોહલ્લા અને પોળોમાં પાણી સંગ્રહની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેરના આશરે 54,000 ઘરોને પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. પ્રાઇવેટ ટેન્કર દ્વારા પણ પુરતું પાણી ન મળતા શહેરમાં પાણી માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. આ પરિસ્થિતિને પગલે શહેરીજનોએ નગરપાલિકાની બેદરકારી સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને સિદ્ધિ સરોવરનાં ખાલી તળાવમાં નગરપાલિકાનું બેસણું રાખી પ્રતિકાત્મક રીતે નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક નાગરિકો પણ હવે તાત્કાલિક પાણી પુરવઠો ફરી શરૂ કરવા અને તૂટેલા વાલની મરામત ઝડપથી કરવાની માંગ કરી રહ્યા છે.