રીપોર્ટ@પાટણ: બાળકના જન્મ પ્રમાણપત્ર માટે બોગસ કાગળો કોને ઉભા કર્યા, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
સાંતલપુર તાલુકાના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર વિરુદ્ધ કુલ 2 ફરિયાદ દાખલ થઇ છે. ત્યારે બીજી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમા બાળકના સરકારી જન્મ પ્રમાણપત્ર માટે કોણે અને કોના કહેવાથી બોગસ કાગળો ઉભા કર્યા તેની તપાસ ચાલી રહી છે. બોગસ કાગળો કોણે તાત્કાલિક ઉભા કર્યા અથવા પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કઈ જગ્યાએથી રાધનપુર નગરપાલિકામાં કાગળો પહોંચ્યા તેની તપાસ થશે. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સામેની બીજી ફરિયાદમાં જ્યારે પોલીસને રિમાન્ડની સત્તા મળશે ત્યારે જે ખુલાસાઓ થશે તે અત્યાર સુધીના સૌથી મોટા ઘટસ્ફોટ બની શકે તેમ મનાઈ રહ્યું છે. વાંચો નીચેના ફકરામાં કે, હવે શું ત્રીજી ફરિયાદ થશે કે કેમ
પાટણ એસ.ઓ.જી પોલીસે પ્રાથમિક તપાસ આધારે એક યુવકની ફરિયાદ હેઠળ બાળકના કથિત ખરીદ-વેચાણ, નાણાંકીય છેતરપિંડી અને સરકારી સિસ્ટમનો દૂરૂપયોગ કરી જન્મ પ્રમાણપત્ર મેળવ્યું હોવાની વિગતો નોંધી છે. હવે આ ફરિયાદ આધારે આરોપી સુરેશ ઠાકોરની પૂછપરછ/રિમાન્ડ થશે ત્યારે વિગતો આવશે પરંતુ પોલીસે હાલ તાત્કાલિક અસરથી સરકારનો પક્ષ લઈ સાચાં જન્મ પ્રમાણપત્ર માટે રજૂ થયેલ બોગસ કાગળોની અને તેના કર્તાઓની તપાસ શરૂ કરી છે. રાધનપુર નગરપાલિકામાં સરકારની જોગવાઈ મુજબ કાગળો ઓનલાઇન અપલોડ થયા બાદ જનરેટ થયેલ જન્મ પ્રમાણપત્ર સાચું છે પરંતુ સરકારને ગેરમાર્ગે દોરી, સરકાર સમક્ષ ખોટી વિગતો મૂકી, સરકારી સિસ્ટમનો બદઈરાદાપૂર્વક ઉપયોગ કર્યાની તપાસ અત્યંત મહત્વની બની છે. આથી રાધનપુર નગરપાલિકામાં કોણે કાગળો પહોંચતા કર્યા?, કયા સરનામે બાળકનો જન્મ હતો?, સરકારી દવાખાને કે ખાનગી દવાખાનેથી કોણે કાગળો બનાવી આપ્યા?, બાળકના અસલી માતાપિતા સાથે કોણે છેતરપિંડી કરી?, બાળકના બનાવટી માતાપિતા કોના કહેવાથી કાગળ ઉપર બતાવ્યા? કોણે રાધનપુર નગરપાલિકાના જન્મ મરણ નોંધણી અધિકારી સમક્ષ ખોટી વિગતો રજૂ કરી અને સાચી વિગતો છુપાવી ? વાંચો નીચેના ફકરામાં મહા ઘટસ્ફોટની ઝલક.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જન્મ કે મરણ પ્રમાણપત્ર રાજ્ય સરકારની સિસ્ટમ મુજબ ઓનલાઇન જનરેટ થાય છે ત્યારે ઓનલાઇન વિગતો પણ ભરવી પડે છે. આ કિસ્સામાં રાધનપુર નગરપાલિકાના સબ રજીસ્ટ્રારે જન્મ પ્રમાણપત્ર કાઢી આપ્યું પરંતુ આ અધિકારી સમક્ષ કોણે ખોટાં કાગળોની ફાઈલ મૂકી હતી ? બાળકના અસલી માતાપિતાને બદલે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે ખોટાં માતાપિતાની વિગતો કોના મારફતે રાધનપુર નગરપાલિકામાં રજૂ કરાઇ તે સૌથી મોટો સવાલ છે. આથી સરકારી કચેરીને ગેરમાર્ગે દોરી, ખોટાં કાગળો આધારે સાચું પ્રમાણપત્ર મેળવી સરકાર સમક્ષ અસલી વિગતો છુપાવી તેની તપાસ કરી પોલીસની ટીમ જરૂરી ખાત્રી કરીને બોગસ કાગળો આધારે અસલી જન્મ પ્રમાણપત્ર કઢાવનાર ઈસમો વિરૂદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.