રીપોર્ટ@પગાર: સંત ટીચર્સ ક્રેડિટ મંડળી દ્વારા વધુ કપાત સામે શિક્ષકો રજૂઆત કરે, આ અધિકારી કરશે મદદ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા, સંતરામપુર સહિતના ત્રણેક તાલુકાના શિક્ષકોની ક્રેડિટ સોસાયટીના તાજેતરના નિર્ણય સામે બૂમરાણ મચી છે. ધી સંત તાલુકા ટીચર્સ કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી એટલે કે શિક્ષકોની આ બચત મંડળીએ મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુજબ અગાઉ શિક્ષકોનો બચત ફાળો 220 લેવાતો પરંતુ એપ્રિલ 2025થી 1020 કર્યો છે. એટલે કે શિક્ષકોના પગારમાંથી અગાઉ કરતાં હવે વધુ રકમ કપાવાની હોઈ નારાજગી વધી છે. તેમાં વળી ફતેપુરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ ડીપીઈઓ, દાહોદને પત્ર લખ્યો છે. જેમાં મંડળીના મનસ્વી કપાત નિર્ણય વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ફતેપુરા ટીપીઇઓને પૂછતાં અમોને જણાવ્યું તે શિક્ષકો માટે સૌથી રાહતના સમાચાર બની શકે છે. આટલુ જ નહી, ટીપીઇઓ દ્વારા અનેક મુદ્દા ઉપર સ્પષ્ટ ખુલાસા કર્યા તે પણ મંડળી સાથે જોડાયેલા શિક્ષકોને માટે ઉપયોગી બની શકે છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ અને મહીસાગર જિલ્લાના ત્રણેક જેટલા તાલુકા અને સરેરાશ 4થી 5 હજાર જેટલા શિક્ષકોની એક બચત મંડળ છે. ધી સંત તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટીના સત્તાધીશોએ આગામી નાણાંકીય વર્ષથી એક નવો નિયમ જાહેર કર્યો છે. જેમાં અત્યાર સુધી દરેક શિક્ષકના પગારમાંથી બચત ફાળો પ્રતિ માસ રૂ. 220 કપાતો તે હવે એપ્રિલ 2025થી રૂ.1020 કપાશે તેવું જાહેર કર્યું છે. આ નિયમ કે નિર્ણયથી અનેક શિક્ષકો ખુશ હશે અથવા સહમત હશે પરંતુ કેટલાક શિક્ષકો અંદરોઅંદર નારાજ હોવાનો ફણગો બહાર આવ્યો છે. આ મંડળીના સભ્યો પૈકી કેટલાક શિક્ષકો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પણ સભ્ય હોઈ મોટી રજૂઆત સામે આવી છે. ફતેપુરા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના લેટરપેડ ઉપર આગેવાનોએ ડીપીઈઓ અને ટીડીઓ, ફતેપુરાને શિક્ષકોના પગારમાંથી મનસ્વી કપાત બંધ કરવા રજૂઆત કરી છે. આ રજૂઆતનું કેટલું મહત્વ, હકીકતમાં શિક્ષકોને શું અધિકાર છે, મંડળીના નિર્ણય બાદ શું શક્ય બને તે તમામ મુદ્દે ચાલતા અસમંજસ ઉપર ફતેપુરા ટીપીઇઓ જીજ્ઞાબેને અનેક બાબતો સ્પષ્ટ કરી છે. વાંચો નીચેના ફકરામાં.
ધી સંત તાલુકા ટીચર્સ ક્રેડીટ સોસાયટીનો નિર્ણય અને રજૂઆત એક તરફ પરંતુ જો શિક્ષક વ્યક્તિગત રીતે ઈચ્છે તો શું કરી શકે અને સામે ટીપીઈઓ કચેરી શું મદદ કરી શકે તે સમજવું અગત્યનું છે. સવાલ પૂછતાં ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞાબેને જણાવ્યું કે, મંડળીના સભાસદ એવા કોઈપણ અમારા તાલુકાના શિક્ષક અમોને રજૂઆત કરશે અને રૂ.1020ની કપાતને બદલે જૂની રૂ.220ની કપાત રાખવા માંગણી કરશે તો મદદ થશે. જો કોઈ શિક્ષક આવી રજૂઆત લેખિતમાં કરશે તો જૂના નિયમ મુજબ લોક/અનલોક કરી આપી રૂ.220 યથાવત કરી આપવા ટીપીઇઓ સક્ષમ છે પરંતુ એ માટે રજૂઆતકર્તા શિક્ષકોએ મંડળી અને ટીપીઇઓ કચેરીને ધોરણસરની લેખિતમાં રજૂઆત કરવાની રહશે. ટીપીઈઓ જીજ્ઞાબેનના આ ખુલાસાથી શિક્ષક વર્ગમાં ચાલતી તરેહતરેહની ચર્ચા અને શંકાકુશંકા બાબતે મોટી સ્પષ્ટતા સામે આવી છે.