રીપોર્ટ@પોરબંદર: જિલ્લા પંચાયતના 2 કરોડના ટેન્ડરમાં સ્પર્ધા ગાયબ, ડેપ્યુટી ડીડીઓએ કરી ચોંકાવનારી વાત

 
પોરબંદર
નેગોશિએટ દરમ્યાન આખરે રૂ. 60,000 ઓછા કરી 1.99 કરોડમાં વર્ક ઓર્ડર આપી દીધો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ લેબ, ક્લાસ આંગણવાડીના ટેન્ડરમા આર.એ એટલે કે ભાવ ઓફર બનાવટી થઈ છે. સ્પર્ધા વગર જ એજન્સી એલ1 થઈ છતાં અધિકારી કહે છે, આર.એ ફરજિયાત નથી છતાં કર્યું. હવે બે એજન્સીઓએ આર.એ દરમ્યાન રેટ ઉંચા ભરીને એકરીતે સ્પર્ધામાં ભાગ જ નથી લીધો છતાં ડેપ્યુટી ડીડીઓને આ ટેન્ડરમા સેટિંગ્સ થયાનું જણાતું નથી. જો રિવર્સ ઓક્શનમાં ભાગ જ નહોતો લેવો તો શું એલ1ને સપોર્ટમાં બે એજન્સીઓએ ટેન્ડર ભર્યું હતું? નેગોશિએટને અંતે 2 કરોડનું ટેન્ડર 1.99 લાખમાં મંજૂર થાય તે સમગ્ર પ્રક્રિયામાં એજન્સીઓ વચ્ચે રિંગ કેમ ના કહેવાય તેની પડતાલ કરીએ. એટલે ખરીદનાર એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કેટલા અંશે સરકારના નાણાંકીય હિતમાં રહ્યા તે પણ ખબર પડી જશે.


પોરબંદર જિલ્લા પંચાયતના ડીડીઓના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને કમિટીએ 2 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતુ. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી સ્માર્ટ ક્લાસ, લેબ આંગણવાડી કેટેગરીની ચીજવસ્તુઓ ખરીદવા લગાવવા બાબતના આ ટેન્ડરમા ટેકનિકલ ચકાસણી થઇ હતી. જોકે ટેકનિકલ ક્વોલિફાઈ બાદ જે ત્રણ એજન્સીઓ વચ્ચે ફાયનાન્સિયલ ઓક્શન થયું એટલે કે આર.એ પ્રક્રિયા શરૂ થઈ તેમાં એલ2 અને એલ3 એજન્સીએ 2 કરોડથી વધુ ભાવ ઓફર કર્યા એટલે સ્પર્ધાથી અળગા રહ્યા. આ દરમ્યાન એલ1 એજન્સી જે ટ્રસ્ટ છે તેણે કોઈ સ્પર્ધાનો સામનો કરવો ના પડ્યો એટલે રૂ. 1,99,60,000 ભાવ ઓફર કર્યા. આ પછી ડેપ્યુટી ડીડીઓ પંકજભાઈ અને કમિટીને લાગ્યું હશે કે સ્પર્ધા નથી થઇ તો થોડું નેગોશિએટ કરાવીએ. આ નેગોશિએટ દરમ્યાન આખરે રૂ. 60,000 ઓછા કરી 1.99 કરોડમાં વર્ક ઓર્ડર આપી દીધો છે. આ બાબતે જ્યારે ડેપ્યુટી ડીડીઓને પુછ્યું તો જણાવ્યું તે વાંચી ચોંકી જશો. વાંચો નીચેના ફકરામાં.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી ખરીદીમાં સરકારના નાણાંકીય હિતમાં જરૂરી તમામ બાબતો અગત્યની જ હોય અને કરવી પડે તે જરૂરી પણ કહી શકાય. આ અંગે ડેપ્યુટી ડીડીઓ પંકજભાઈને પુછ્યું કે, એલ1ને કોઈ સ્પર્ધા મળી નથી તો જવાબમાં બોલ્યા કે, આર.એ ફરજિયાત નથી છતાં કર્યું છે અને નેગોશિએટ પણ થયું છે. હવે અહિં બાયર એ વાત ભૂલી જાય છે કે, એલ2 અને એલ3 એજન્સીએ જો સ્પર્ધામાં ભાગ નહોતો લેવો તો શું કાર્ટેલ/રિંગ કરવા એલ1ને મદદ કરી ? ટેન્ડર ભરતાં પહેલાં અને ટેકનિકલ ક્વોલિફાઈ થતી દરેક એજન્સીને એટલી તો જરૂર જાણકારી હોય કે, આર.એ બીડ વેલ્યુથી અંદર થાય. તો શું આ બાબતે સેટિંગ્સ નથી થયું તેની કેટલી તપાસ બાયરે કરી? જો સ્પર્ધા ફરજિયાત ના હોય તો બીડ વેલ્યુનું પણ કોઈ મહત્વ નથી અને મનસ્વી ભાવો ઓફર કરવાના ? વધુ આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.