રીપોર્ટ@પોરબંદર: દિવાળી ટાણે AAPમાં મોટું ભંગાણ, ટોચના નેતાઓએ આપ્યા રાજીનામાં

 
આપ
કદાવર નેતાઓના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોરબંદર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. પોરબંદર આપના શહેર પ્રમુખ ડો. નૂતન ગોકાણી તેમજ અગ્રણી સભ્ય ડો. સિદ્ધાર્થ ગોકાણીએ પક્ષના તમામ પ્રાથમિક અને વહીવટી હોદ્દાઓ પરથી એકસાથે રાજીનામાં આપી દીધા છે. આટલું જ નહીં, બંને નેતાઓએ સક્રિય રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.ચૂંટણી પહેલાં કે પક્ષની પ્રવૃત્તિઓ વચ્ચે આ પ્રકારે કદાવર નેતાઓના રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.

રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ ડો. નૂતન ગોકાણી અને ડો. સિદ્ધાર્થ ગોકાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુખ્ય હેતુ પોરબંદરની જનતા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. તેઓ 'સેવ પોરબંદર સી' સંસ્થા હેઠળ ચાલી રહેલા આંદોલનને આગળ ધપાવશે. જેતપુરના કાપડ ઉદ્યોગ અને ઔદ્યોગિક એકમો દ્વારા દરિયામાં ઠાલવવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષણથી પોરબંદરના સમુદ્રને બચાવવા માટે તેઓ હવે એકમાત્ર પર્યાવરણ સંરક્ષણના લક્ષ્‍ય સાથે લડાઈને વધુ તીવ્ર બનાવશે. પોરબંદરના દરિયાઈ જળચરો, માછીમારો અને સ્થાનિક પર્યાવરણ પર જેતપુરના પ્રદૂષણના કારણે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં રાજકીય પક્ષના બંધનમાંથી મુક્ત થઈને માત્ર જનહિત અને પર્યાવરણ માટે લડવાનો નિર્ણય બંને તબીબ નેતાઓએ કર્યો છે. આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.