રિપોર્ટ@રાધનપુર: ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા હડકંપ મચ્યો

 
ક્રાઇમ
TPO અને TDO સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શિક્ષક દિનનાં દિવસે શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરના એક ગામમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ શિક્ષકને મેથપાક ચખાડ્યો છે. ટીપીઓએ શિક્ષાત્મક પગલા લેવાશે તેમ જણાવ્યું છે. પાટણ જીલ્લામાં રાધનપુર તાલુકામાં આવેલી એક પ્રાથમિક શાળામાં ગઈકાલ સાંજે ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલાં કરતા વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર અને સ્થાનિકો રોષે ભરાયા હતા. શાળાના શિક્ષકની ગ્રામજનોએ ધોલાઈ કરી હતી.

આ ઘટનાની જાણ વહીવટી તંત્રને કરતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. રાધનપુર તાલુકાની નાની પીપળી ગામે પ્રાથમિક શાળામાં ઘટના બની હતી. માહિતી મુજબ શિક્ષક દિનેશ પરમાર ધોરણ 5ની બાળાઓ સાથે અડપલા કરતો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. નાની પીપળી ગામે TPO અને TDO સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે. માહિતી મુજબ શિક્ષક દિનેશ પરમાર રજા પર ઉતરી જતો રહ્યો છે. શિક્ષક વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાં માટે TPOને રિપોર્ટ કરવામાં આવ્યો છે. શિક્ષક સામે પગલાં લેવામાં આવશે તેમ TPO હરખાભાઈ નાડોદાએ જણાવ્યું હતું.