રિપોર્ટ@રાજકોટ: સફાઈ કામદારોની ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા આવેલા પક્ષના નેતાને ભગાડી દેવાયા

 
રાજકોટ

ભ્રષ્ટાચારની ફરિયાદોને દબાવી દેવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારી વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આજે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારા પક્ષના જ નેતાઓને ચૂપ કરી દેવામાં આવે છે. રાજકોટમાં ભ્રષ્ટાચાર આચરીને બનાવાયેલા TRP ગેમ ઝોનમાં 28 લોકોના ભડથુ થઈ ગયાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ભાજપમાંથી જ ઊઠતી ભ્રષ્ટાચારની ફરિયાદોને દબાવી દેવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલને ભ્રષ્ટાચારની ફરિયાદો માટે ભાજપના એક કાર્યકર ટોળા સાથે રિંગરોડ સ્થિત શીતલ પાર્ક પાસે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા.

આ કાર્યકર રાજકોટ મહાનગર પાલિકામાં સફાઈ કામદારોની નિયમ વિરુદ્ધ ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા આવ્યો હતો. પરંતુ તેને કાર્યાલયની અંદર પણ પ્રવેશવા દેવાયો નહીં અને બહારથી જ દરવાજા બંધ કરી ભગાડી દેવાયો. રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પારસ બેડીયાએ જણાવ્યું કે તેઓ 18 વર્ષથી ભાજપના કાર્યકર છે. રાજકોટ મહાનગર પાલિકામાં 532 સફાઈ કામદારોની ભરતી થવાની છે. આ નોકરી માટે જેમના દાદા, દાદી, માતા-પિતા મનપામાં નોકરી કરતા હોય તેમના સંતાનો જ અરજી કરી શકે તેવો અન્યાયી નિયમ લાવવામાં આવ્યો છે.

સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હોવાથી આ અન્યાયી નિયમને હટાવવા માટે અમે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરવા ગયા હતા.અમારી ફરિયાદ અંગેની જાણ થતા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી કાર્યાલયની બહાર આવ્યા હતા અને અમને સીઆર પાટિલને ફરિયાદ કરતા રોક્યા હતા. અમે અંદાજે 1,000 લોકો સીઆર પાટિલને ફરિયાદ માટે પહોંચ્યા હતા. પરંતુ તેમને ફરિયાદ કરવા મળવા દેવાયા નહીં. રાજકોટ આવેલા સી.આર.પાટિલે ભાજપના કાર્યાલયે જઈને કાર્યકરોને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ તેઓ બિલ્ડરો સાથેના કાર્યક્રમમાં અને જળસંચયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે, આ કાર્યક્રમમાં પણ તેમણે પ્રશ્નોત્તરી રાખવાનું ટાળ્યું હતું.