ઘટના@અંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે ટ્રેલર, ડમ્પર અને આઇશર ટેમ્પો વચ્ચે ગંભીર એકસ્માત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજે વરસાદી માહોલ વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. વાલિયા ચોકડી પાસે બ્રિજ પર એક સાથે ત્રણ વાહનો અથડાયા હતા. જેમાં એક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા વાલિયા ચોકડી બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રેલર ટ્રક, એક ડમ્પર અને એક આઇશર ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી.
વરસાદના કારણે રોડ ભીનો હોવાથી અને પૂરતા અંતરનો અભાવ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ત્રિપલ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેલરનો ચાલક તેની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ટ્રેલરના કેબિનમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. ફસાયેલા ચાલકને નાની-મોટી ઇજાઓ થતાં તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

