રિપોર્ટ@રાજકોટ: ભાજપ નેતાનો પુત્ર અને તેનો મિત્ર MD ડ્રગ્સ સાથે ઝડપાયા

 
કાર્યવાહી

98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે યુવાનો ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતું રહે છે, રાજકોટ SOGના પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે 150 ફૂટ રીંગ રોડ ભક્તિધામ સોસાયટીમાં આવેલા ફ્લેટ નંબર 19માં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું છે.આ બાતમીના આધારે PI સહિતના પોલીસ કાફલાએ આ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા.ફ્લેટ નંબર 19માં ટેબલ નીચે સંતાડાયેલ 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફ્લેટ ધારક પાર્થ દેવકુભાઈ મકવાણા મિત્ર સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢા (ઉ24, રહેખોડિયારનગર શેરી નંબર 15, એસટી વર્કશોપ પાસે,ગોંડલ રોડ)ને ઝડપી લીધા હતા.

જસદણમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. SOG ના સૂત્રોએ જણાવ્યું કે પાર્થે BCAનો અભ્યાસ કર્યો છે, તેણે મિત્ર સાહિલ સાથે મળીને પાંચ મહિનાથી આ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. બન્ને આરોપીઓ જીમમાં જવાના શોખીન અને બોડી બિલ્ડર છે. આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવી રહ્યા હતા, ગત રોજ ડ્રગ્સ લાવ્યા અને ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી 9.85 લાખનું ડ્રગ્સ, બે ફોન, બે વજન કાંટા, ડ્રગ્સ જેમાં ભરીને વેચતા હતા તે પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેક્યુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ સહિતનો કુલ 10.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.