રીપોર્ટ@રાજકોટ: નવા પ્રદેશ પ્રમુખની રેલી પહેલાં પીએમના ફોટો પર શાહી ફેંકાઈ, જાણો વિગતે

 
ઘટના
મનપાની ટીમે દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેનર દૂર કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે રાજકોટ શહેરમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યાં છે. આવા જ એક બહુમાળી ચોક નજીક લગાવેલ બેનરમાં પીએમ મોદીના ફોટો પર કોઈ અજાણ્યા શખસે શાહી ફેંકી હતી. આ બાબત ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક બેનર દૂર કરી દેવામાં આવ્યું હતું.જ્યારે પોલીસે કહ્યું હતું કે આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આજે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે, જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યાં છે. એમાં બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખસે કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે.બહુમાળી ચોક નજીક જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવાયેલા બેનરમાં પીએમ મોદીની તસવીર પર શાહી ફેંકાઈ હોવાનું ધ્યાન પર આવતા રાજકોટ મનપાની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેનરને દૂર કરી દીધું હતું.

રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે, હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જે-તે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે એવી શકયતા સેવાઈ રહી છે. સૌપ્રથમ જગદીશ વિશ્વકર્મા હીરાસર એરપોર્ટ પહોંચશે. આ પછી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ શહેરના કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સાંજે 5:30 વાગ્યાથી સભા યોજવામાં આવશે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહેશે.