રિપોર્ટ@રાજકોટ: કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ, તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના રાજકોટને પણ દ્વારકા જેવો સિગ્નેચર કેબલ બ્રિજ મળશે. શહેરના કટારિયા ચોકડી પાસે 150 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને આ વેસ્ટ ઝોનમાં એકસાથે 9 નવા બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ગુજરાતનો આ પહેલો સિગ્નેચર બ્રિજ છે, જે જમીન પર બનાવવામાં આવશે. સિગ્નેચર બ્રિજ સાથે અન્ય 8 બ્રિજના પણ ટેન્ટર બહાર પાડવામાં આવ્યા છે.
વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 11 માં નવા રીંગ રોડ પર 42.26 કરોડના ખર્ચે ત્રણ બ્રિજ, રંગોલી પાર્ક નજીક 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે 5.53 કરોડના ખર્ચે એક બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સિટી વચ્ચે 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે. આ તમામ 9 બ્રિજ માત્ર વેસ્ટ ઝોનમાં જ બનાવવામાં આવશે. આ તમામ 9 બ્રિજનું નિર્માણ એકસાથે જ શરૂ કરવાનું છે. તેથી જે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે આ બ્રિજ બનાવવામાં આવે છે, તે સમસ્યા બે વર્ષ માટે વધુ વકરશે.