એક્શન@રાજકોટ: અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કમિશ્નર પદેથી સરકારે આનંદ પટેલને હટાવ્યા, બીજી જવાબદારી પણ વિલંબમાં
અટલ સમાચાર ડોટ કોમ, રાજકોટ
રાજકોટમાં ભયાનક અગ્નિકાંડ અને સાથે અનેક વ્યક્તિઓ લાપતા બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. સરકાર તાબડતોબ વિવિધ એક્શનમાં છે ત્યારે રાજકોટ શહેરની સૌથી વધુ જવાબદારી ધરાવતાં 2 મોટાં માથાને બદલી દીધા છે. મ્યુનિસિપલ કમિશ્નર પદેથી આનંદ પટેલને હટાવી દીધા તો સાથે પોલીસ કમિશ્નર પદેથી રાજુ ભાર્ગવને પણ બદલી દીધા છે. બંને અધિકારીને સામાન્ય વહીવટ વિભાગે બદલીના ભાગરૂપે હોદ્દા પરથી મુક્ત કર્યા પરંતુ નવી જવાબદારી આપી નથી. આઇએએસ આનંદ પટેલ અને આઈપીએસ રાજુ ભાર્ગવની નવી જવાબદારી વિલંબમાં રખાઇ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે, જવાબદારી બાબતે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ બાદ હજુ કડક પગલાં લઈ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ગેમ ઝોનમાં સૌથી દર્દનાક અગ્નિ કાંડમાં અનેક જીવ હોમાઇ ગયા અને અનેક વહાલસોયા લાપતા છે ત્યારે આખું ગુજરાત ખૂબ જ દુઃખ અને શોકમગ્ન છે. આથી રાજ્ય સરકારે પણ એક તરફ ફરિયાદ દાખલ કરી તો બીજી તરફ તપાસનો ધમધમાટ પણ કર્યો છે. જોકે મહાનગરપાલિકા હદ વિસ્તાર હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા અને સુરક્ષા બાબતે પોલીસ કમિશ્નરની જવાબદારીનો સવાલો પહેલાં દિવસથી ઉઠી રહ્યા છે. ખુદ પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી વિશે કહ્યું હતુ ત્યારે રાજ્ય સરકારે આજે વધુ એક નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે ભલે નિયમોનુસાર અને વહીવટી સરળતા ખાતર બદલી કરી હોય પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ અને સીપી રાજુ ભાર્ગવની બદલી પછી નવી જવાબદારી વિલંબમાં રખાઇ છે. આ બંને અધિકારીની ક્યાંકને ક્યાંક કોઈ જવાબદારી બનતી હોવાની પિડીતો જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આઇએએસ આનંદ પટેલ અને આઈપીએસ રાજુ ભાર્ગવને જે તે હોદ્દા પરથી મુક્ત કર્યા પરંતુ નવી જવાબદારી આપી નથી તે રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ જણાવે છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભલે મોટા અધિકારીઓ વિરુદ્ધ હજુસુધી કોઈ પગલાં નથી લીધા પરંતુ અગ્નિકાંડ બાદ તમામ બાબતે નાનામાં નાની જવાબદારી શોધી જવાબદારીમાં આવતાં તમામ વિરૂદ્ધ મોટી કાર્યવાહી થશે. આટલુ જ નહિ, પ્રમાણપત્રો, સ્થળ ચકાસણી, ઓફિસમાં બેઠાં બેઠાં પણ કાગળોની ખરાઇ કરવી એવી તમામ જવાબદારી શોધી રાજ્ય સરકાર ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરી કયા અધિકારી કે કર્મચારી દ્વારા ચૂક કે ક્ષતિ રહી તેની પણ શોધ કરશે. આ સાથે મામલો હાઇકોર્ટમાં પણ હોવાથી રાજ્ય સરકારે ત્યાં પણ વિગતો આપવી પડશે ત્યારે જવાબદારો કોઈપણ સંજોગોમાં છટકી ના શકે તેની કાળજી લેવામાં આવી રહી છે.