રીપોર્ટ@રાજકોટ: સિવિલ સ્ટાફની બેદરકારીના કારણે 18 માસના બાળકનું કરુણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સ્ટાફની બેદરકારીના આક્ષેપોને કારણે ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં દાઝી ગયેલા 18 માસના બાળકનું સારવાર ન મળવાને કારણે મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના કહ્યા મુજબ, બાળકને દાઝી જતાં સિવિલમાં તાત્કાલિક દાખલ કરાયું હતું. બાળકના પિતાએ સ્ટાફ સમક્ષ વારંવાર સારવાર શરૂ કરવા માટે આજીજી કરી હોવા છતાં સ્ટાફે પૂરતું ધ્યાન ન આપ્યું.
આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે હોસ્પિટલ સ્ટાફ અને પિતા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો. આ ઓડિયોમાં સ્ટાફ કથિત રીતે ઉધ્ધતાઈભર્યો જવાબ આપતા સંભળાય છે કે, "તમે કહો ત્યારે નહી, મન થશે ત્યારે આવીશું" અને તેનાથી પણ વધુ ચોંકાવનારો જવાબ આપ્યો કે "આ સિવિલ છે, અહિયાં તો મરી પણ જાય." પરિવારજનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સ્ટાફની આ ઘોર બેદરકારીના કારણે જ તેમના માસૂમ બાળકનું મોત થયું છે. આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશો આપી દેવાયા છે.

