રીપોર્ટ@રમત: સ્પોર્ટ્સ ઓથોરિટીને તાબાના કર્મચારીઓની બદલીના હુકમો છતાં અમલ નહિ, વિભાગ હરકતમાં
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં જે વહીવટ ચાલી રહ્યો તેનાથી વિભાગ શું ખુશ છે ? એસએજીના તાબા હેઠળના અનેક કર્મચારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ ઉપર હોવા છતાં બદલી નથી. આ બાબતે વિભાગના મહિલા અધિકારીને પૂછતાં જે જણાવ્યું તે ઘણું કહી જાય છે. મહિલા અધિકારીએ કહ્યું કે, બધું ધીમે ધીમે સ્ટ્રીમલાઇનમાં લાવી રહ્યા છીએ. આના મતલબ બધું પાટા ઉપર લાવી રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટીના વહીવટીનો આ સ્પેશ્યલ રિપોર્ટ જાણીએ.
ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ હેઠળ કચેરીનો સ્ટાફ છે અને જિલ્લા સ્તરે પણ ખૂબ મોટો સ્ટાફ રાજ્યભરમાં છે. જેમાં અનેક કર્મચારીઓની વર્ષોથી એક જ જગ્યાએ ફરજ ચાલી રહી છે ત્યારે વિભાગ અવારનવાર વિજીલન્સના રીપોર્ટ મુજબ 3 વર્ષથી વધુ સમય થયેલાની બદલી માટે આદેશ કરે છે. આવો આદેશ ફરીથી હજુ હમણાં થયો છે પરંતુ અનેક જિલ્લાઓમાં 3 વર્ષથી વધુ સમયથી ઘણા કર્મચારીઓ ફરજ ઉપર છે. આટલું જ નહિ, મુખ્ય કોચ બારીયા પણ વર્ષોથી એસએજીમા મુખ્ય કોચના ચાર્જ ઉપર છે તો કોના આદેશથી અથવા કોની મહેરબાની છે તે પણ તપાસનો વિષય છે. આટલું જ નહિ, અનેક ગંભીર વિષયોની તપાસ ખુદ ડીજી અથવા એસએજીના સચિવના વડપણ હેઠળ હોય છતાં મુખ્ય કોચ સંભાળે તેવા પણ સવાલો છે. વાંચો નીચેના ફકરામાં
આ સમગ્ર મામલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મહિલા અધિકારીને પૂછતાં જણાવ્યું કે, બહું બધું ચાલે છે, તમને પણ ખબર હશે એટલે હવે અમે બધું સ્ટ્રીમ લાઇન ઉપર લાવી રહ્યા છીએ અને તમને ટૂંક સમયમાં જોવા પણ મળશે. બદલી માટે જનરલ બધા એચઓડીને અવારનવાર સુચના આપીએ છીએ અને હજુ હમણાં પણ સુચના આપી છે. 3 વર્ષથી વધુ સમય વાળાની બદલી માટે વિજીલન્સ રીપોર્ટ આધારે કહેલું છે છતાં અમલ નહિ થાય તો એક્શન પણ લેશુ. મુખ્ય કોચની જગ્યા ઘણા સમયથી જિલ્લા કોચ બારીયા સંભાળે છે તો આ બારીયા ભાગ્યે જ જવાબદારીવાળા જિલ્લામાં જાય છે તે બાબતે પણ મહિલા અધિકારીએ ગંભીરતાથી લેતાં જણાવ્યું કે, વિભાગ ટૂંક સમયમાં અમલવારી કરશે.