રિપોર્ટ@સાબરકાંઠા: સુરેન્દ્રનગર લોકસભામાં ઉમેદવાર બદલવા ભાજપના કાર્યકરો રસ્તા ઉપર ઊતર્યા

 
કાર્યકરો

સાબરકાંઠામાં ડામોર કે ઠાકોર વિવાદમાં ઉમેદવાર બદલવાની માગંણી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠામાં ઉમેદવાર બદલતા અને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસી કૂળના નેતાને ટિકિટ ફાળવતા આ બંને લોકસભા મતક્ષેત્રોમાં ભાજપના જ કાર્યકરોમાં હૈયાહોળી ભડકી છે.ધુળેટીની રજા પછીના મંગળવારે સવારે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના કાર્યાલય વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ બોલાવવી પડી હતી તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં જેની ટિકિટ કાપી દેવાઈ છે તે ભીખાજી દુધાજી ડામોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા.

મેઘરજમાં તો બાકાયદા બજારો બંધ રાખીને ભાજપે જાહેર કરેલા નવા ઉમેદવાર શોભનાબહેન બરૈયાનો વિરોધ કરાયો હતો. રવિવારે હોળી પ્રાગ્ટય બાદ ભાજપે સાબરકાંઠા અને વડોદરા લોકસભા બેઠક માટે અગાઉ જાહેર કરેલા ઉમેદવારો બદલ્યા હતા, સાથે જ જે ચાર બેઠકો માટે નવા ઉમેદવારોના નામો જાહેર કર્યા તે પૈકી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસી કુળના ચંદુભાઈ શિહોરાનું નામ વાંચીને સ્થાનિક ભાજપના નેતાઓ અને તળપદા કોળી સમાજના આગેવાનો ભડક્યા હતા. સુરેન્દ્રનગરમાં આ આગેવાનોએ ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ચૂંવાળિયા કોળી સમાજના હોવાનું કહીને પોતાના સમાજને અન્યાય થઈ રહ્યાનું જાહેર કર્યુ હતુ. સમાજના આગેવાનોનું કહેવુ છે કે, આ વેળા પહેલાથી જ સૌએ તળપદા કોળી સમાજમાંથી ટિકિટ આપવા રજૂઆત કર્યા છતાંયે ભાજપે ચૂંવાળિયા અને તેમાંય કોંગ્રેસથી આવેલાનું નામ જાહેર કરતા રોષ છે.

હજી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાને આડે બે સપ્તાહથી વધારે સમય બાકી છે ત્યારે નામ બદલવા માંગણી કરી છે. તેમ નહિ થાય તો અમે સૌ ભાજપના વિરૂધ્ધમાં મતદાન કરીશું. સાબરકાંઠામાં ડામોર કે ઠાકોર વિવાદમાં ઉમેદવાર બદલવાની માગંણી હતી. તેવામાં ભીખાજી દુધાજીએ ચૂંટણી લડવા માટેની અનિષ્છા જાહેર કર્યા બાદ સુરેન્દ્રનગરની જેમ જ કોંગ્રેસી કુળના શોભનાબહેન બારૈયાનું નામ જાહેર થતા ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો છે.