રિપોર્ટ@સાબરકાંઠા: હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક, ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

 
માર્કેટયાર્ડ

ખેડૂતોને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ઉંચા ભાવ મળી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં તમામ યાર્ડ કરતા હરાજીમાં સૌથી ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર સમયમાં ઘઉંનો ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે.

માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ 10000 થી 15000 બોરી ઘઉંની આવક પણ થઈ છે.ભાવ 480 થી લઈને 725 રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે,ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઘઉં વેચી રહ્યા છે. ઘઉંની સિઝનની શરૂઆતથી જ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને જાહેર હરાજીમાં ખેડૂતોને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. સરેરાશ ભાવની વાત કરીએ તો 580થી 725 સુધી સારા ભાવ મળતા હોય છે અને એટલે સાબરકાંઠા જીલ્લા ઉપરાંત અન્ય જીલ્લા અને તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થાય છે. જેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે.