રીપોર્ટ@સાબરકાંઠા: UGVCLની ગંભીર બેદરકારી, સોલાર પેનલ હોવા છતાં ફટકાર્યું રૂ.14,718 વીજબિલ

 
Ghatna
ગ્રાહક અને વીજ તંત્ર વચ્ચે ઘર્ષણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામના એક વીજ કંપનીના ગ્રાહકે પોતાના ઘરની છત પર છેલ્લા 2 વર્ષથી સોલાર સિસ્ટમ લગાવેલી છે. આ સોલાર પેનલમાંથી દર મહિને અંદાજે 250 થી 500 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. આટલું વિપુલ પ્રમાણમાં વીજ ઉત્પાદન થવા છતાં અચાનક ગ્રાહકને UGVCL તરફથી રૂ.14,718 નું બિલ ફટકારવામાં આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા.

અગાઉ સોલારમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળી બદલ UGVCL ગ્રાહકને સામો વળતરનો લાભ આપતું હતું, પણ ઘરમાં નવું ડિજિટલ મીટર બેસાડવામાં આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. નવું મીટર લગાવ્યા પછી વળતર આપવાના બદલે અચાનક 14 હજાર રૂપિયાથી વધુનું બિલ આપી દેવામાં આવતા ગ્રાહક અને વીજ તંત્ર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. બિલમાં આવેલી ગંભીર ભૂલ અંગે ગ્રાહકે સ્થાનિક સ્તરે અને મહેસાણા સ્થિત UGVCL ની મુખ્ય કચેરીમાં રૂબરૂ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ કે ઉકેલ ન મળતા અંતે ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમગ્ર ઘટના પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો.સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થતાં જ UGVCLનું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રણાસણ ફીડરના અધિકારીઓએ પોતાની ટેકનિકલ ભૂલ સ્વીકારી લીધી હતી.